17.3.18

ઓટોગ્રાફ પ્લીઝ ! (અશોક દવે)ઓટોગ્રાફ પ્લીઝ !

અશોક દવે
કવિ-લેખકોનો આ પ્રોબ્લેમ છે. બૅન્કમાં ચૅક વટાવવા ગયા હોય ને ત્યાંનો ક્લાર્ક એમની પાસે સહી કરાવે,એમાં કવિ 'ઑટોગ્રાફ' સમજે અને ચૅકની પાછળ મૅસેજ 'બૅસ્ટ વિશીઝ'... લખીને સ્માઇલ સાથે પાછો આપે !!
તારી ભલી થાય ચમના, કઇ કમાણી ઉપર તું એને ઑટોગ્રાફ સમજી બેઠો છું ? પેલો તારી સામે ઊંચું ય જોતો નથી ને તું એને ચાહક સમજીને તારો મોબાઇલ તૈયાર રાખીને ઊભો છે કે, 'હમણાં સૅલ્ફી પડાવવો પડશે... ઓહ, કેટલાને ના પાડીએ ?!!!' 

નવેનવા કલાકાર કે સાહિત્યકાર એવા રીહર્સલો રોજ કરે કે, 'ક્યાંક ફંક્શન-બંક્શનમાં ગયા હોઇએ અને વાચકોના ટોળેટોળા આપણને વળગી પડે, ત્યારે હાવભાવ કેવા ગંભીર રાખવા, સૅલ્ફી કેવી રીતે પડાવવી, મૅસેજમાં શું લખવું......આપણી પૅન વાચકના હાથમાં રહી ન જાય, એનો ખ્યાલ કેવી રીતે રાખવો.....ફોટોગ્રાફરો ઉપસ્થિત હોય ત્યારે કઇ બ્રાન્ડના સ્માઇલો આપવા !!!

 
સૅલિબ્રિટીઓ ઑટોગ્રાફ્સ આપતી વખતે-'ઑટોગ્રાફ્સ આપવા અમને બહુ ગમતા નથી', એવા સ્થિર કચકડાંના મોંઢાં રાખે, એ સ્ટાઈલ અજમાવવાની કોશિશ સાવ નવેનવા સાહિત્યકારે પણ કરી જોઈ હતી-
પહેલી વાર કોઈએ ઓટોગ્રાફ માંગ્યા ત્યારે.

એક સમારંભમાં એક સુંદર યુવતી એનો ઑટોગ્રાફ લેવા આવી. માંગે અને તરત આપી દઇએ તો જરા ચીપ લાગે, એટલે નાનો અમથો 'પો' પાડવા એણે મોંઢું સ્થિર કરીને કહી દીધું,

''સૉરી... હું હસ્તાક્ષર નથી આપતો...!'' 

પેલી એનીય મા નીકળી.
ડૂંગળીના દડાને બચકું ભરતી હોય એવું કાચેકાચું હસીને જતા જતા બોલી,
''ઓ હીરો... હું ઑટોગ્રાફ લેવા નથી આવી... તમારી પૅન પડી ગઇ'તી, તે પાછી આપવા આવી'તી...!'' 
એમાં તો યુવતી અને પૅન બન્ને ગયા !!

સાવ નવા કલાકાર કે સાહિત્યકાર પાસે કોઇ ગેરસમજથી ચાહક એનો ઑટોગ્રાફ લેવા ગયો અને નૉટ-પૅન ધર્યા... ભ'ઇને ઑટોગ્રાફ આપવાનો કોઇ અનુભવ ન હોય, એમાં તો હલવઇ જાય અને સામું પૂછે, 
''ક્યાં  સહીઓ કરવાની છે...?'' 

પેલાને સમજણ તો પડી જાય અને ઘડીભર પસ્તાવો પણ થાય (!), પણ સમય સાચવીને એ કહી દે, 
''બસ જી... આપનો ચાહક છું... ઑટોગ્રાફ આપશો ?'' 
જરા ધૂંધવાઇ જઇને આવડો આ પેલાની સામે દયામય ભાવમુદ્રાથી જોશે, પછી નૉટ-પૅનની સામે જોશે અને ભારે ચીવટથી લખશે,

''મોદી હરિશકુમાર જશવંતલાલ-સોજીત્રાવાળા''.... 

અને મૅસેજમાં લખ્યું હોય, 

'સ.દ. પોતે'!!! 

 
પેલો લેખકશ્રીનો મૅસેજ જોવા મુંડી નીચી કરે એ જ ક્ષણે ઝાટકા સાથે ઊંચી કરી નાંખે.....
''...આ...આઆ...આ શું ? ઓ સૉરી, તો તમે... સાહિર લુધિયાનવીજી નથીઇઇઇ...? ઓહ, મોંઢે શીળીના ચાઠાં જોયા, એટલે મને એમ કે તમે સાહિર સાહેબ છો... સૉરી !'' 
એટલું કહીને,  ઘટનાસ્થળે પાનું ફાડી, ડૂચો કરી ત્યાં જ નાંખીને જતો રહે !

વર્ષો પહેલા ફિલ્મ 'ક્રાંતિ'ના ગોરેગાંવ પાસે તુલસી-લૅક ખાતે શૂટિંગમાં શશી કપૂરને મળવાનું થયું હતું. મારી સાથે પત્ની હતી. શશી કપૂરની ફ્લૅમબૉયન્ટ સ્ટાઇલ હતી, ખુલ્લા સ્માઇલ સાથે હથેળી મસળતો મસળતો બોલતો આવે, ''હાય... આઈ ઍમ શશી કપૂર...'' એમ કહીને અમારી સામે આંખ મારી હાથ મિલાવ્યા. વાઇફે એનો ઑટોગ્રાફ તો લીધો પણ એ એને યાદ નથી રહ્યો... 'આંખ મારી' એ બખૂબી યાદ રહી ગયું છે. એ પછી તો એ અડધા ગુજરાતને કહી ચૂકી છે કે, 

''સસી કપૂરે મને આંયખ માયરી...!'' 

 એનો ઘા રૂઝવવા ઘેર આવ્યા પછી મેં એને આજ સુધી બે કરોડ આંખો મારી આપી હશે, પણ એની એને  કિંમત હોય ? 


હા. વાઇફ મારા ઑટોગ્રાફ્સ ભૂલ્યા વિના દર પંદર દિવસે માંગે છે, ચૅકબૂકમાં સાઇન કરાવવા ! 

 

16.2.18

સૌરભ શાહ : એકલા પડી ગયા હોવાનો ડર કેવી રીતે દૂર થાય ?


એકલા પડી ગયા હોવાનો ડર
કેવી રીતે દૂર થાય ?

(તડકભડકઃ સૌરભ શાહ)


એકાંત જાગરણ છે અને એકલવાયાપણું ઉજાગરો છે. એક સ્વૈચ્છિક છે, બીજામાં ફરજિયાતપણું છે. આપણે બીજાની વાત કહી રહ્યા છીએ.
એકલવાયાપણું એ કોઈ ભૌતિક પરિસ્થિતિ નથી માત્ર એક માનસિક પરિસ્થિતિ છે એવું સ્વીકાર્યા પછી જ એના ઈલાજમાં આગળ વધી શકાય.
એકલા થઈ ગયાની લાગણી કામચલાઉ હોઈ શકે અને ખૂબ લાંબા સમય સુધી પણ રહી શકે. ક્યારેક આવા ગાળા લંબાતા હોય છે. કદાચ કાયમી બની જશે એવી દહેશત લાગે છે. બાળકોને હોસ્ટેલમાં ભણવા મોકલી દીધા હોય, ઘરમાંથી વહાલસોયી દીકરીને કે લાડકી બહેનને સાસરે વળાવી દીધી હોય, દીકરો પરદેશ સેટલ થઈ જાય, અંગત મિત્રની બહારગામ ટ્રાન્સફર થઈ જાય, છૂટાછેડાં લેવામાં આવે, ખૂબ જ આત્મીય સંબંધ પૂરો થઈ જાય, જેને સૌથી નજીકની માની હોય એવી મા, પુત્રી, પુત્ર, મિત્ર, પતિ, પિતા જેવી વ્યક્તિનું અવસાન થઈ જાય. આ અને આવી બીજી ઘણી પરિસ્થિતિઓ એવી હોવાની જે માણસના મનમાં શૂન્યાવકાશ સર્જે. આવા સંજોગોમાં સર્જાતી એકલવાયાપણાની લાગણીનો ગાળો ખૂબ લાંબો ચાલવાનો.
એકલવાયાપણાની લાગણી બે ચાર દિવસ માટેની હોય કે ખૂબ લાંબા ગાળા માટેની એ સતત ચાલુ રહે છે ત્યારે માણસ અંદરથી વહેરાતો જાય છે. આ લાગણી ભલભલાના પગ ઢીલા કરી નાંખે. માણસને નબળો અને આળો બનાવી દે. એકલવાયા થઈ ગયાની લાગણી માટે બાહ્ય કારણો ભલે હોય પણ આ લાગણીનો જન્મ માણસની પોતાની માનસિક્તાને કારણે થતો હોય છે.
પોતાના તમામ પુત્ર-પુત્રીઓ પરદેશ રહેતાં હોવા છતાં પત્ની સાથે કે પત્ની વિના જલસાથી હર્યું ભર્યું જીવન જીવતા સેવન્ટી પ્લસના વડીલો તમે જોયા હશે. પતિ કે પત્નીના અકાળ અવસાન પછી એ આઘાતને જીરવીને નવેસરથી પોતાનું જીવન ગોઠવીને જીવતી વ્યક્તિઓ તમે જોઈ હશે. એકલા પડી જવાની લાગણી મનમાં જન્મે ત્યારે એને એ જ સ્તરે માનસિક સ્તરે જ નાબૂદ કરવાની કોશિશ કરવી પડે. કારણ કે ભૌતિક સ્તરે તો કશું જ તમારા તાબામાં હોતું નથી. સ્વજનના મૃત્યુને કારણે એકલા થઈ ગયેલાં લોકો લાખ કોશિશ કરે, એને પાછું બોલાવી શક્તા નથી. તમને ઘરમાં એકલું ન લાગે એટલે દીકરી કે બહેનનું સાસરું છોડાવી શક્તા નથી. કોઈ બીજાની સાથે જતી રહેલી પ્રિયતમાના નવા પ્રેમીનું, લાખ ઈચ્છા હોવા છતાં તમે કશું બગાડી શક્તા નથી. ભૌતિક પરિસ્થિતિઓ પરનો તમારો કાબૂ મર્યાદિત હોવાનો. માનસિક સ્તરે જ એકલવાયાપણાનો મુકાબલો થાય.
કેવી રીતે?
સાત રીતે.
માણસમાં એકલા પડી જવાની લાગણીની સાથે જ જબરજસ્ત ભયની લાગણી જન્મે છે. હેબતાઈ જવાય એવો ધ્રાસકો, એવી ફાળ પડે છે. બહાવરા બની જવાય છે. આને કારણે કયાં તો આપણે સઘળા મિત્રો-પરિચિતોને ફોન કરીને કે મળીને આ લાગણીને ખંખેરવાનો પ્રયત્ન કરીએ અથવા એના કરતાં તદ્દન ઊંધું કરીએ- મનનાં તમામ બારી દરવાજા બંધ કરીને બધા સાથે સંપર્ક તોડી નાંખીએ. આ બેઉ અંતિમોની પરિસ્થિતિ બિનઉપયોગી પુરવાર થવાની એટલું જ નહીં, જોખમી પણ થઈ શકે. આવું કરવાથી એકલવાયાપણું દૂર થવાનું નથી. થશે તો ઉપરછલ્લું જ દૂર થશે અને જોખમી એટલા માટે કે ગમે તેની આગળ જઈને હૃદય ઠાલવી દેવાથી એ વ્યક્તિ ભવિષ્યમાં તમારો ઉપયોગ કરતી થઈ જશે. ઉપયોગ એટલે બ્લેકમેલિંગના અર્થમાં નહીં. પણ હા, સરળ અર્થમાં એને ઈમોશનલ બ્લેકમેલિંગ ગણી શકીએ.
તમારો ડર, તમારી કલ્પનામાં દેખાતી ખરાબ પરિસ્થિતિઓ તમે જ્યારે બહુ નિકટની નહીં એવી વ્યક્તિ સમક્ષ પ્રગટ કરી દો છો ત્યારે એની આગળ તમે એક નિર્બળ વ્યક્તિ તરીકે બહાર આવો છો. તમારી આ નિર્બળતાનો ઉપયોગ ભવિષ્યમાં એ પોતાના સ્વાર્થની વાત હશે ત્યારે નહીં કરે એની કોઈ ખાતરી નથી. એકલવાયા થઈ જવાની તીવ્ર લાગણીથી ઘેરાઈ જઈએ ત્યારે બહાવરા બનીને અહીં ત્યાં ભટકવાને બદલે ઘડીભર સ્થિર થઈ જવું, થંભી જવું, ટેમ્પરરી સ્થગિત થઈ જવું. કોઈ જ નિર્ણયો લેવાં નહીં. રોજિંદી જરૂરિયાત સિવાયની અન્ય પ્રવૃત્તિઓ પણ રોકી દેવી. વાહન ગતિમાં હોય ત્યારે અચાનક દિશા બદલી નાખવામાં જોખમ છે. દિશા બદલવા ગતિ ઓછી કરવી પડે. ક્યારેક થંભી જવું પડે. દિશા બદલવી જરૂરી છે કે નહીં તે નક્કી કરવા માટે પણ આટલું કરવું પડે.
એકલવાયાપણું દૂર કરવાનો સૌથી પહેલો ઈલાજ આ : દોડાદોડ કરી મૂકવાને બદલે થોડીકવાર જ્યાં છો ત્યાં, જેમ છો એમ, સ્થિર રહેવું.
૨. એકાંત પસંદ કરનાર વ્યક્તિ આત્મગૌરવ, સેલ્ફ એસ્ટીમ, જાળવી શકે. રાધર, જેનામાં ભરપૂર આત્મસન્માન હોય એ જ વ્યક્તિને એકાંત પ્યારું લાગે. પણ એકલા પડી ગયા છીએ એવું લાગે છે ત્યારે સૌ પ્રથમ ભોગ આપણા આત્મસન્માનનો લેવાય છે.
એકલવાયા હોવાની લાગણીને કારણે માણસ સેલ્ફ-એસ્ટીમ ગુમાવી બેસે છે કે પછી સેલ્ફ-એસ્ટીમ ગુમાવવાને કારણે માણસ એકલવાયો થઈ જાય છે?
વ્યક્તિ સેલ્ફ એસ્ટીમ ગુમાવતી જાય એમ ધીરેધીરે એ પોતાની જાતને બીજાઓના સંપર્કમાંથી પાછી ખેંચાતી જાય, જેથી એ બીજાઓ આગળ પોતાની જાતને દયામણી તરીકે રજૂ કરવામાંથી બચી જઈ શકે. છેવટે એ એકલી પડી જાય છે. આથી ઊલ્ટું, અન્ય કોઈપણ કારણોસર એકલવાયી થઈ ગયેલી વ્યક્તિ 'મને કોઈ ચાહતું નથી' કે 'મારી કોઈનેય પડી નથી' વગેરે લાગણીને કારણે આત્મસન્માન ગુમાવવાનું શરૂ કરી દે. એકલવાયાપણું ન સર્જાય તે માટે અથવા તો સર્જાઈ ગયેલું એકલવાયાપણું વિખેરાઈ જાય તે માટે વ્યક્તિનું આત્મગૌરવ જળવાઈ રહે તે જરૂરી છે. આત્મગૌરવ તૂટતું હોય ત્યારે એને રોકવા શું થઈ શકે?
તમારું આત્મગૌરવ તમને બીજું કોઈ ન આપી શકે. કોઈ તમને માન આપે અને તમને લાગે કે તમારી સેલ્ફ-એસ્ટીમ ઊંચી જઈ રહી છે અને કોઈ તમને અપમાનિત કરે કે તમારી ઉપેક્ષા કરે અને તમને લાગે કે તમારા આત્મગૌરવનું તળિયું દેખાઈ રહ્યું છે તો માનજો કે જિંદગીમાં તમારું આત્મસન્માન કાયમ માટે જાળવી શક્વાના નથી. તમે તમારા લાગણીતંત્રનું સુકાન બીજાના હાથમાં મૂકી દો એ પછી તમારી પોતાની દિશામાં આગળ વધી શકો એ વાત જ અશક્ય છે.
આત્મગૌરવ જળવાય એ માટે માણસને પોતાની જાતમાં શ્રદ્ધા હોવી જોઈએ અને જાતમાં શ્રદ્ધા ત્યારે બેસે જ્યારે એને પોતાની મર્યાદાઓ વિશે જાણ થઈ જાય અને ખૂબીઓ વિશે ખ્યાલ આવી જાય. એટલો ખ્યાલ આવી ગયા પછી માણસ પોતાની ખૂબીઓને વધુ ધારદાર બનાવવાના પ્રયત્નો કરતો રહે અને પોતાની મર્યાદાઓને ઓગાળવાની કોશિશમાં રત રહે તો એની આ પ્રવૃત્તિ ક્યારેય એનામાં પોતે એકલો પડી ગયો છે એવી લાગણી નહીં પ્રેરે. તો આ થયો એકલવાયાપણાની લાગણીમાંથી મુક્ત થવાનો બીજો ઉપાય. પોતાની ખૂબીઓ અને મર્યાદાઓ પ્રત્યે સભાન થઈ ખૂબીઓને વધારવાની અને મર્યાદાઓને ઘટાડવાની પ્રવૃત્તિમાં ખૂંપી જવું.
૩. જિંદગીમાં જે તબક્કે આવીને તમે ઊભા છો ત્યાં સુધી આવવામાં તમારા કેટલાક પ્લસ પોઈન્ટ્સનો ફાળો છે એ વાતમાં કોઈ શંકા નથી. આ પ્લસ પોઈન્ટ્સ કયા? આવું વિચારવાનું ભાગ્યે જ બને છે. હંમેશાં આપણને એવું શીખવવામાં આવ્યું કે આપણે જો આપણી જાતને અહોભાવથી જોતાં થઈ જઈશું તો છકી જઈશું. વાત સાચી. પણ જાતને અહોભાવથી જ જોવી એવું જરૂરી નથી, ભાવપૂર્વક પણ જોઈ શકાય ! આપણામાં કેટલાક ગુણો, કેટલીક ખાસિયતો એવાં જરૂર છે જેને કારણે આપણે એકલા રહીને પણ અડીખમ રહી શકીએ. સતત બીજાઓ પર નિર્ભર રહેવાની જરૂર નથી. બીજાના પર આધાર રાખવાથી પરતંત્ર થઈ જવાશે. તમારી આઝાદી ક્યારે કોણ છીનવી લઈ શકે એમ છે એનો વિચાર કરવાથી એકલા પડી ગયા હોવાનું દુઃખ ઓછું થઈ જશે. જો બેઉ વિકલ્પો ખરાબ હોય તો નક્કી કરો કે ક્યો વિકલ્પ ઓછો ખરાબ છેઃ એકલા પડી જવું કે પોતાની સ્વતંત્રતા ગુમાવી દેવી? તો આ થયો ત્રીજો ઈલાજ. એકલા પડી ગયા હોવાની લાગણી જન્મે ત્યારે કોઈકના પર પૂરેપૂરા ડિપેન્ડન્ટ થઈ જવાથી આવનારાં દુષ્પરિણામો વિશે વિચારવું. બંધનવાળું જીવન જીવવા કરતાં એકલવાયું જીવન જીવવું વધારે સારું.
૪. એકલવાયા થઈ જવાની લાગણી જન્મે ત્યારે એકસાથે બે વિરોધાભાસી વિચારો જન્મે ! એક, બધું જ વેરવિખેર કરી નાંખીને એકદમ ફ્રેશ શરૂઆત કરવી છે અને બે, કશું જ બદલવું નથી, કોઈ પરિવર્તનનું સાહસ કરવું નથી, જીવનમાં જૈસે થે ની પરિસ્થિતિ જાળવી રાખવી છે. એકલા પડી જઈએ છીએ ત્યારે સૌથી વધુ ઈચ્છા બધું જ બદલી નાંખવાની થાય છે.  લાઈફસ્ટાઈલ, મિત્રો, વિચારો, આસપાસનું વાતાવરણ, નોકરી, ઘરનું ફર્નીચર અને ક્યારેક શહેર પણ. જાણે આપણા એકલવાયાપણાનું કારણ આ જ બધા લોકો કે આ જ બધી પરિસ્થિતિઓ કે આ જ બધી ચીજો હોય અને એ બદલાઈ જશે કે તરત એ લાગણી મટી જશે એવી ખાતરી થઈ જાય છે આ ગાળામાં અને કેટલીકવાર માણસ બધું જ વેરવિખેર કરી નાખવાનો આરંભ પણ કરી દેતો હોય છે.
આવું કરવું નુકસાનકારક પુરવાર થઈ શકે, એકલવાયા હોઈએ ત્યારે ખાસ. વર્ષોની જહેમતથી, એક-એક ઈંટ ગોઠવીને તૈયાર કરેલી ઈમારતનો એક ઝાટકે ધ્વંસ કરી નાંખવાથી શું મળશે? જે છે એ પણ ચાલ્યું જશે અને હતા એના કરતાં વધારે એકલવાયા બની જવાશે ! વગર વિચાર્યે બધું જ એક સપાટામાં ભૂંસી નાખવાની કલ્પના કરવી પણ વ્યર્થ છે. અત્યાર સુધી ઊભું કરેલું વિશ્વ આપણી માનસિક સલામતીનો એક હિસ્સો છે અને આ વિશ્વને વેરવિખેર કરી નાખવાથી એ સલામતી પણ જતી રહેવાની છે. નોકરી બદલી નાખવાથી કે ઘર બદલી નાખવાથી કે જીવનસાથી બદલી નાખવાથી તમારા એકલવાયાપણાનો ઈલાજ નથી થવાનો. કદાચ વધી જશે. બહેતર એ છે કે જે છે એમાં ફાયદાકારક અને ઉપયોગી કેટલું છે એ વિચારીને અત્યાર સુધીની કમાણીને રોળી નાખવાની લાલચ પર કાબૂ મેળવી લેવો.
આના કરતાં તદ્દન સામા છેડાની વાત પણ એટલી જ જોખમી. એકલા હોઈએ ત્યારે બધું જ જેમ છે એમ રાખવાનું મન થાય. કશું જ બદલવું નથી, પહેરેલાં કપડાં પણ નહીં, એવા વિચારો સતત તમને ખેંચ્યા કરે. આ એક બીજો અંતિમ થયો. ક્યારેક વિચારો કે લાગણીઓની બાબતમાં આવા અંતિમવાદી થવું ગમે, સારું પણ ખરું. પરંતુ દર વખતે તદ્દન  સામા છેડાના અંતિમે ન પહોંચી જવાય. જેમ કે, એકલવાયા હોઈએ ત્યારે બધું જ બદલી નાખવાની વૃત્તિ જેટલી જોખમકારક થઈ શકે એટલી જ -કશું નથી બદલવું- ની જીદ હાનિકારક પુરવાર થાય.
એકલવાયા હોઈએ ત્યારે કેટલીક વખત કશુંક બદલવું પડતું હોય છે અને પોતે થોડાક બદલાવું પડતું હોય છે. પતિ કે પત્નીની ગેરહાજરી કે ગેરહયાતીને કારણે એકલવાયી થઈ ગયેલી વ્યક્તિ નવેસરથી જીવન શરૂ કરવાનું નક્કી કરે એમાં કંઈ ખોટું નથી. નિવૃત્તિ પછી ઘરમાં રહી રહીને કંટાળી ગયેલા માનસિક-શારીરિક રીતે સશક્ત એવા વડીલ કોઈ રોજગારી કે સેવાની પ્રવૃત્તિ શોધી લે એમાં કશું ખોટું નથી. વર્ષો સુધી પ્રેક્ટિસ કરીને લાખો રૂપિયા કમાઈ ચૂકેલો બાહોશ ડોકટર ૪૦-૪૫ વર્ષોથી ભરયુવાન ઉંમરે તબીબી વ્યવસાયને સંપૂર્ણપણે છોડીને ખેતી કરવા મંડી પડે તો એમાં પણ કશું ખોટું નથી. એકલવાયાપણું દૂર કરવા કેટલાંક પરિવર્તનો જરૂરી છે. આ પરિવર્તનો એવાં હોવાં જોઈએ જે અત્યાર સુધીની જિંદગીમાં તમે જે કંઈ ભૌતિક સ્તરે કે લાગણીના સ્તરે કમાયા છો તેને વેડફી ન દે. તો આ થયો એકલવાયાપણું દૂર કરવાનો ચોથો ઈલાજઃ બધું જ વેરવિખેર કરી નાખવાને બદલે માત્ર જરૂર પૂરતાં પરિવર્તનો જ કરવાં.
૫. પાંચમો ઈલાજ જે છે તે એકલવાયાપણું સર્જાય તે પહેલાંનો અર્થાત્ પ્રિવેન્ટિવ ઈલાજ છે. કેટલાક લોકો ખૂબ પ્રવૃત્તિને જીવનની સાર્થકતા સમજે છે. જ્ઞાતિસંસ્થા, સોશિયલ ગ્રૂપ, બિલ્ડિંગની સોસાયટી, નવરાત્રિ જેવા ઉત્સવોનું આયોજન, કલબની પ્રવૃત્તિઓ, ઘરમાં ઝીણામાં ઝીણી બાબતો પર ધ્યાન વગેરે. એક પણ પળ પગ વાળીને બેસી રહેવાનું એમને ગમતું નથી. એકલવાયાપણાનો એકાદવાર અહેસાસ કરી ચૂકેલી વ્યક્તિ ખાસ આવું કરવાની. આખો દિવસ સતત કામના અને નકામા માણસોથી ઘેરાયેલા રહેવું, જેના ને તેના ફોન જાતે જ રિસીવ કરવા, અગાઉથી નક્કી કર્યા વગર ધસી આવતા લોકોને પણ આવકારવા, એટલું જ નહીં, એક મુલાકાતી બેઠા હોય ત્યારે બીજા આવે તો એને પણ સાથે બેસાડી દેવા....
પણ આવા દરબારો કાયમના નથી હોતા. જ્ઞાતિની સંસ્થાનું પ્રમુખપદ કે સોશિયલ ગ્રૂપનું સેક્રેટરીપદ કે સોસાયટીનું ટ્રેઝરપદ પણ કાયમનું હોતું નથી. ભરપૂર વ્યસ્તતા પછી એમાં આવતી ઓટ એકલવાયાપણાની લાગણીને વધુ તીવ્ર બનાવી દે છે. સોળ કલાક વ્યસ્ત રહેતી વ્યક્તિ એકાએક આઠ કલાક વ્યસ્ત રહે એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે એને એકલતા લાગવા માંડે છે. એને મૂંઝવણ થાય કે બાકીના આઠ કલાકનો ખાલીપો કેવી રીતે પૂરવો. એકલવાયાપણાનો પાંચમો ઈલાજ આ છેઃ ખાવાની જેમ પ્રવૃત્તિઓની બાબતમાં પણ અકરાંતિયાપણાથી દૂર રહેવું.

૬. એકલતા દૂર કરવાનો છઠ્ઠો ઉપાય જરા અટપટો છે. કારણ કે ઉપરછલ્લી રીતે, એ પાંચમા ઉપાય કરતાં વિરોધાભાસી લાગે એવો છે.
છઠ્ઠો ઉપાય છે દિમાગની પ્રવૃત્તિઓ બેસુમાર રાખવી. એમાં ગળાડૂબ રહેવું. મંડળો, કલબો, સોશિયલ ગ્રૂપો ઈત્યાદિની પ્રવૃત્તિઓ મર્યાદિત રાખવી એ બરાબર. પણ શોખના વિષયો મર્યાદિત હોવા જરૂરી નથી. જે વ્યક્તિના રસના વિષયોમાં વૈવિધ્ય હોય એવી વ્યક્તિ એકલી પડી જાય ત્યારે પણ એની પાસે આ બધી-એકલાં એકલાં કરી શકાય એવી-પ્રવૃત્તિઓ હોય છે. એક વાતનું ધ્યાન રાખવું કે અનેક વિષયોમાં રસ લીધા પછી એકાદ-બે વિષય એવા હોવા જોઈએ જેમાં તમારી સંપૂર્ણ માસ્ટરી હોય અથવા એમાં માસ્ટરી મેળવવાનું તમને મન થયા કરતું હોય. જેમાં ખૂબ ઊંડા ઊતરી જવાનું મન થાય એવા એકાદ બે વિષયો વ્યક્તિએ પોતાનામાં ખીલવવા જોઈએ. વ્યક્તિની માનસિક ક્ષિતિજો વિસ્તરેલી હોય તો એના જીવનમાં ઘનઘોર એકલતા નથી આવતી એવું નથી પણ એવી વ્યક્તિઓ એકલતાના ગાળામાં અન્ય વ્યક્તિઓ કરતાં પોતાની જાતને વધારે સારી રીતે સંભાળી શકે છે. શક્ય છે કે આવી વ્યક્તિના જીવનમાં એકલતા પ્રવેશવાના ગાળા જ ઓછા આવે.
એકલતા ઘેરી વળે તે વખતે એકની એક પ્રવૃત્તિ કરવાનો કંટાળો આવતો હોય છે. એકધારાપણાને કારણે ઘણી વખત એકલતા વધુ સજ્જડ બની જતી હોય છે. આવા વખતે એકમાંથી બીજી કે બીજીમાંથી ત્રીજી પ્રવૃત્તિમાં સરકી જવાનું આસાન બને તે માટે રસના વિષયોમાં પહેલેથી જ વૈવિધ્ય રાખવું જોઈએ. ઉંમર વધવાની સાથે સમજાતું હોય છે કે રસના વિષયોમાં વૈવિધ્ય શા માટે જરૂરી છે. કેટલાય વડીલોને તમે જોતા હશો જેમનો એટિટયુડ તમને ઘણીવાર તદ્દન સંકુચિત લાગતો હોય. દિમાગના બધાં બારણાં વાસી દીધાં હોય એવું લાગે. આમ થવાનું કારણ એ કે એમણે પોતાના રસના વિષયોને ઉંમરના શરૂઆતનાં વર્ષો દરમિયાન વધારવાની કોઈ દરકાર કરી હોતી નથી, અથવા તો ઉંમર વધવાની સાથે એમણે જાતને સમૃદ્ધ કરવાને બદલે સંકુચિત બનાવી દીધી હોય છે. એકલતા દૂર કરવાનો  છઠ્ઠો રામબાણ ઈલાજઃ જેમાં રસ પડે એવાં વિષયો / ક્ષેત્રો વધારતા જવું.
૭. એકલતાને એકલી પાડી દેવાનો સાતમો અને છેલ્લો ઈલાજ વ્યવહારનો નથી. આ આધ્યાત્મિક ઈલાજ છે. રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું : એકલો જાને રેમાણસ હકીકતમાં એકલો જ છે, એકલો જ રહેવાનો છે અને એકલો જ મરવાનો છે. કોઈ સાથી કે સંગી વિના. નિરંજન ભગતે ગાયું એમ જો કોઈ સાથી મળી પણ જાય ત્યારે જે સાથ સર્જાય તેને 'આપણો ઘડીક સંગ' માનવાનો. ફિઝિકલી જ નહીં મેન્ટલી પણ માણસે એકલા રહેવાની ટેવ પાડવી જોઈએ. કોઈક મળ્યું તો એટલો સમય જલસાનો, ન મળ્યું તો એટલો સમય ડબલ જલસાનો. આખરે તો આપણે એકલા જ છીએ એવું સ્વીકારી લેવાથી એકલવાયાપણામાંથી એકાંત તરફ જવાની દિશા ખુલતી દેખાશે. એકાંતના મંદિરમાં જાત સચવાઈ જતી હોય છે. એકલવાયાપણામાંથી ઉપર ઊઠેલો માણસ જ્યારે એકાંત માણવાનું શરૂ કરે છે ત્યારે જે પરિસ્થિતિ શાપરૂપ લાગતી હતી એ જ હવે દેવની ડાયરેક્ટ દીધેલી હોય એવું લાગવા માંડે છે!

12.2.18

લાઇફમાં ‘બેસ્ટ’ બનવા આ ‘ બેસ્ટ’ લેખ ‘બેસ્ટ ’ ઉતાવળે વાંચો ! -સંજય છેલ

લાઇફમાં 'બેસ્ટ'  બનવું છે? તો આ ' બેસ્ટ' લેખ 'બેસ્ટ ' ઉતાવળે વાંચો !

મિજા સ્તી-સંજય છેલ

એક હોલમાં દસ-બાર ગર્ભવતી મહિલાઓ ગોળાકારમાં બેઠી છે, સાથે એમનાં -પ્રેગ્નન્ટ નથી એવા- પતિદેવો પણ છે. માતાઓનાં પેટમાંથી જે નથી જન્મ્યા એવા આવનારા બાળકોને એક વક્તા ઉપદેશનાં ગીતો, બુદ્ધિ વધારતાં ઉખાણાંઓ, જ્ઞાન-વિજ્ઞાનની વાતો ને જીવન જીવવાની જડીબુટ્ટીઓ સંભળાવી રહ્યાં છે! એક મોટાં સ્પીકરનાં મુખને માતાઓનાં મોટાં પેટ તરફ રાખીને એમાંથી જે સાઉન્ડ નીકળે એ પેટમાંનાં શિશુઓ સાંભળીને જન્મતા પહેલાં જ ઘણું બધું એડવાન્સમાં જ શીખી લે એવો આ પ્રયોગ થઈ રહ્યો છે! ના જન્મેલા બાળકોનાં મા-બાપો સાથે એક્સપર્ટ ઉર્ફ જ્ઞાનગુરૂ બેઠાં છે, જે ગર્ભમાંનાં બાળકને 'બેસ્ટ ' કઇ રીતે બનવું એનું ભાષણ આપી રહ્યાં છે. એક્સપર્ટનો દાવો છે કે જન્મતાની સાથે જ બાળક, બેસ્ટ બનીને પૃથ્વી પર અવતરશે! 

હસો નહીં. મા-કસમ, આવું એક વીડિયો ક્લીપમાં અમે જોયું!('મા કસમ' એટલે પેલી માતાઓની નહીં, અમારી માની કસમ!) આમ ને આમ ચાલશે તો એક દિવસ એવો આવશે કે માનાં પેટમાંથી જ બાળક, સૂટ-બૂટ ટાઈ પહેરીને જનરલ મેનેજરની જેમ હાથમાં લેપટોપ-ફાઈલો લઈને જન્મશે! જન્મતાં વેંત જ મા-બાપને 'ગુડ મોર્નિંગ' કહીને, ઘડિયાળ તરફ જોઈને કહેશે: 'હું મીટિંગમાં જવા લેઈટ થઇ ગયો છું, પછી મળીએ !' એ બાળક જન્મતાં જ મોટા પગારવાળી એક્ઝિક્યુટિવ જોબ કરવા માંડશે અને જોબ કરતાં કરતાં જ એમને દાંત આવશે, વાળ ઊગશે, અછબડા નીકળશે!

તમને અતિશયોક્તિ લાગશે પણ આજે બધાને બેસ્ટ જ થવું છે. કોઈને સામાન્ય, સાધારણ કે એવરેજ નથી થવું! આજકાલ તમે કોઈ પણ બુકશોપ કે પુસ્તકમેળામાં જશો તો તમને બેસ્ટ થવાનાં, કામિયાબ થવાનાં, બેસ્ટ લવર બનવાનાં પુસ્તકો કિલોના ભાવે જોવા મળશે. આવી કોલમો કે પુસ્તકોમાં શ્રેષ્ઠ જીવન જીવવાની, બેસ્ટ રીતે સમય બચાવવાની, શ્રેષ્ઠ પતિ-પત્ની કે શ્રેષ્ઠ બોસ બનવાની ટિપિકલ સલાહો ટપકાવી હોય છે. આવાં પુસ્તકોનાં કવરપેજ પર ડાહ્યા લેખકો સરસ સૂટમાં જ હોય.સૂટનો કલર સાદડીમાં પહેરાતાં કપડાં જેવો બોરિંગ સફેદ કે ગ્રે જ હોય. બેસ્ટ બનાવનારાં લેખકના વર્સ્ટ ચહેરા પર ગણતરીબાજ માણસનું બેસ્ટ સ્મિત જોવા મળે. ગોલ્ડ ફ્રેમવાળાં બેસ્ટ ચશ્મામાં એમને જોતાવેંત જ ડર લાગે કે હમણાં જ એ પુસ્તકમાંથી બહાર નીકળીને આપણને વીમાની પોલીસી વેચી મારશે!

આવી બેસ્ટ બનવાની બુક્સમાં બેસ્ટ વાત એ હોય છે કે તમને જે ખબર હોય છે એ જ એમાં લખેલું હોય અને તોયે વાંચીને સારું લાગે! જેમ કે, ટાઈમને કેમ મેનેજ કરવો? તો ઉપાય સૂચવ્યો હોય કે સવારે ઊઠીને સામેની બાલ્કનીમાં વાળ સૂકવતી છોકરીને જોવામાં સમય ના વેડફો પણ એ કિમતી સમય કસરતમાં વાપરવો!'  જો આપણે કન્યાને કે કન્યા આપણને જોવાની ના હોય તો કસરત કોના માટે કરવી? વળી ઝૂકી ઝૂકીને વાળ સુકાવતી છોકરીને નીરખવા કરતાં સવારનો બીજો
વધારે સદુપયોગ શું હોઇ શકે? એની વે, પછી લેખક દિનચર્યા વિશે આપણને શીખવશે કે તમારા મહત્ત્વનાં કામોનું લિસ્ટ બનાવો, દીવાલ પર ચોંટાડીને એને નીરખો, અને એ બધાં કામ થઈ જાય પછી ટીક માર્ક કરીને જ રાતે સૂવું! (જેથી સવારે ફરી ઊઠીને નવું લિસ્ટ બનાવી શકો અને ફરી રાતે ટીક કરીને સૂઈ શકો અને ફરી બીજે દિવસે એજ લિસ્ટ બનાવી શકો !) 

બેસ્ટ બનાવતી બુક્સમાં બીજી વિચિત્ર સલાહ એવી હોય છે કે ખુદને સંભળાય એમ તમારે મોટેથી બોલવાનું કે હું બેસ્ટ જીવન જીવીશ, બેસ્ટ પિતા બનીશ, હું બેટર પત્ની બનીશ જ! (પત્નીને અંગ્રેજીમાં 'બેટર હાફ' કહેવાય એટલે જ બેસ્ટને બદલે 'બેટર' લખ્યું છે, બીજું કાંઇ નહીં.) આમ હું બેસ્ટ, હું બેસ્ટ વારંવાર ખુદને કહેવાથી તમારો સંકલ્પ વધશે, 'ઑટો સજેશન'થી આત્માને બળ મળશે! (સાલી, અમને તો ઑટો રિક્ષા પણ સમય પર મળતી નથી, ઑટો સજેશનની ક્યાં માંડો છો?) જાતને બેસ્ટ કહેવાનો આ પોરસાઉ આઈડિયા ખોટો નથી, પણ જો 'હું બેસ્ટ છું' એવાં તમારા બરાડાઓ બીજું કોઈ સાંભળી લેશે તો બેસ્ટ બનવાની વાત ચૂલામાં નાખીને તમને મુંબઈની બેસ્ટ બસમાં બેસાડીને થાણાં પાસેનાં પાગલખાનામાં મૂકી આવશે! વળી ત્યાં પાગલખાનાંમાં પણ તમે 'બેસ્ટ' છો એમ સમજાવવાં જશો તો એ લોકો કાયમ માટે અંદર કરી દેશે !

મારા એક મિત્રને નવું-નવું નાટકમાં કામ મળ્યું ત્યારે એ સવાર સવારમાં સંવાદો પાકા કરતો હતો કે-

'સંતાન કાંઈ, કંતાન નથી કે મા-બાપ એને નીચોવી નાખે!
ડેડી, તું શું મને જાયદાદમાંથી બાદ કરીશ, હું જ તને બાપ થવામાંથી બેદખલ કરૂં છુ!'

આ સાંભળીને એનાં બાપે એને ધંધામાંથી કાઢી મૂકેલો, કારણ કે એના બાપની કંતાનની ફેકટરી હતી! 

બેસ્ટ બનાવનારી કિતાબોમાં તમે જેવાં બોર થાઓ કે તરત જ ગળે ડૂમો ભરાઈ જાય એવા પ્રસંગો ટપકી પડે! જેમ કે:

વિલિયમ બાળપણમાં રસ્તા પર બૂટપાલિશ કરતો, ત્યારે લોકો એનાં થોબડા પર પૈસા ફેંકીને જતા. એકવાર કોઈએ ડોલરનો સિક્કો ફેંક્યો, ગરીબ બાળકની આંખ પર જઈને લાગ્યો અને એ કાણિયો થઈ ગયો! પણ એ કાણિયો, હિંમત ના હાર્યો! એણે ગન ખરીદીને એક આંખ વાપરીને નિશાનબાજી શીખી, શૂટિંગની ગેમમાં નેશનલ ચૅમ્પિયન બન્યો. પછી બંદૂક અને જીતેલા મેડલોને વેચીને એણે બૂટપાલિશની નાનકડી કંપની ઊભી કરી અને આજે વિલિયમ જગતનો એક આંખવાળો એકમાત્ર સૌથી અમીર માણસ છે. કોઈએ વિલિયમને પૂછ્યું, હવે તો તમે અબજોપતિ છો તો તમે બીજી આંખ કેમ નથી મુકાવતાં? ' વિલિયમે કહ્યું: એક આંખથી હું મારા ધ્યેય પર વધુ સારી રીતે નિશાન લગાવી શકું છું!

(આ અજીબ કિસ્સો આપણો ઓરિજિનલ તુક્કો છે, પણ સોલિડ છેને?)

આપણને બેસ્ટ બનાવનારી પ્રેરક બૂકોમાં કેટલાંક જાન-ફાડુ સૂત્રો હોય છે, જેમ કે 'સપનાં જોવા માટે ઊંઘની ગોળી લેવાની જરૂર નથી પણ ઊંઘ છોડવાની જરૂર પડે છે'
(હું વાચક હોઉં તો બુકને તકિયા નીચે મૂકીને ઊંઘી જાઉં!)

અને હા, વળી 'બેસ્ટ પ્રેમી' થવા માટે તમારે પત્નીને અચાનક મકાનનાં દાદરા પર ચુંબન આપીને સરપ્રાઈઝ આપવાની સલાહ લખી હોય છે! પણ કોની પત્ની એ સાફસાફ લખ્યું નથી હોતું, એટલે ઉતાવળમાં ને ઉતાવળમાં બિચારો વાચક જો પાડોશીની વાઈફને ભૂલથી કિસ આપી બેસે તો એને થપ્પડ મળે! પાછી એ થપ્પડ પાડોશણની નહીં પણ એનાં પતિ તરફથી હોય, કારણ કે એ કહેશે, સાલા ... મારી બૈરીને કિસ ભલે કરી, પણ દાદરાં પર કિસ કરવાની એને ખોટી આદતો કેમ પાડે છે? હવે હું રોજરોજ કિસ કરવા બેસીશ કે નોકરી કરીશ?'
પેલી પાડોશણ હવે જ્યારે જ્યારે વાચકને જુવે છે ત્યારે ઉત્સાહમાં હોઠ આગળ ધરે છે ને પેલો હવે દૂર ભાગે છે!

બેસ્ટ' બનવાની પુસ્તિકાઓમાં ચાણક્ય, ફોર્ડ કંપનીનો માલિક, આઈનસ્ટાઈન, સિકંદર કે એરીસ્ટોટલ વગેરેનાં સુવાક્યો તો એ રીતે ભભરાવ્યાં હોય છે, જેમ બાસુંદી પર ચારોળી! 'ટાઈમ મેનેજમેન્ટ' પુસ્તકનાં વિમોચનમાં જ મોડો પડેલો લેખક, આપણને સમયનો ઉપયોગ કેમ કરવો એના પર ભાષણ આપે! જીવનમાં નાની નાની વાતોને જતી કરવાની સલાહ આપતો લેખક, પ્રોગ્રામ પત્યા પછી આયોજક સાથે ૫૦૦ રૂ. માટે ઝઘડતો હોય છે!

ભગવાન રામને પણ પ્રખર વિષાદમાંથી કાઢવા વશિષ્ઠ મુનીએ યોગવશિષ્ઠની રચના કરવી પડેલી તો સામાન્ય માણસનું શું ગજું? કિતાબોથી જ જો જાલિમ જીવન બદલાતાં હોત તો લેખકો, ફિલોસોફરો, વિદ્વાનો ખુદનાં જીવનમાં આટઆટલાં દુ:ખી ના હોત, અને એની સામે ગલીને નાકે પુસ્તકોને કિલોનાં ભાવે વેચનારો કો'ક રદ્દીવાળો દાઢી ખંજવાળતાં ખંજવાળતાં મસ્તીમાં જીવતો ન હોત!1.2.18

ખરેખરો ખરખરોખરેખરો ખરખરો!
મસ્તરામની મસ્તી
મિલન ત્રિવેદી

ફોન રણક્યો અને ચૂનિયાએ 'ભારે કરી' જેવા શબ્દો અને નિસાસા સાથે ખાલી એટલું જ કહ્યું,
'પહોંચો'.

હવે ક્યાં પહોંચું અને કોણ ગયું એ તો ચૂનિયાના ઘેર જઈને જ ખબર પડે. સફેદ કપડાં પહેરીને મારતા સ્કૂટરે ચૂનિયાને ઘેર ગયો ત્યારે ચૂનિયાએ ફોડ પડ્યો કે મારી પાછળની શેરીમાં રહેતા તેના ફુઆ ગુજરી ગયા છે ! નનામી બાંધતા કોઈને ન આવડે એટલે ફરજિયાત ચૂનિયાની રાહ જોવાવાની જ હતી. ચૂનિયો અમારો 'બાંધવામાં' પાંચમાં પુછાય એવો! એટલે ભાવ ખાવા માટે પણ ચૂનિયો સમય તો લગાડે જ. આખી જિંદગી જે ફુઆને ફૈબા પણ બાંધીને રાખી નહોતા શક્યા તેને ચૂનિયો આજે બાંધવાનો હતો !!!

જેવા અમે પહોંચ્યા એવો જ ચૂનિયાએ સવાલ કર્યો ક્યાં છે ફુઆ?
આટલું સાંભળતા જ તો રોવાનો અવાજ તેજ થઈ ગયો અને ઘણા બધા એક સાથે બોલ્યા કે 'ફુઆ તો ગયા'.
ચૂનિયો ગુસ્સે થઈ ગયો અને બોલ્યો કે ફુઆની બોડી ક્યાં છે ?
જેવી ખબર પડી કે બોડી ઘરની અંદર છે એ સાથે જ ચૂનિયાએ રોફ ઝાડવાનું શરૂ કર્યું :
"અંદર મુકાય?
"બહારના રૂમને સાફ કરાવો. "
"સામાન હજી ખાલી નથી કર્યો? "
"કાઢો સોફા બહાર અને અહિંયા વચ્ચોવચ છાણનું લીપણ કરો."
"ચાલો કામે લાગો."
"સૂતરની આંટી કોણ લાવ્યું છે?"
"ફૂલહાર આવી ગયા?ન આવ્યા હોય તો ફટાફટ મંગાવી લો."

 
આટલી સૂચનાઓ આપી પછી એમ બોલતાં બોલતાં એણે ફૈબાને પણ બહાર કાઢ્યા કે "બંધાશે એટલે તમને બોલાવીશ. હું નથી ઇચ્છતો કે ફુઆ બંધાતા બંધાતા બીવે !"
ફૈબા વીલા મોઢે ઊભા થતા થતા બોલતા ગયા કે 'જિંદગીમાં પહેલી વાર બંધાય છે તે અમને જોવાનું મન ન થાય?'

મારે તો મૂક પ્રેક્ષક બનીને ખાલી જોતું જ રહેવાનું હતું. આમ પણ લગ્ન થઈ ગયા હોય એટલે સાક્ષી ભાવ કેળવતા શીખી જ ગયા હોઈએ ! ત્યાં તો એક-બે વડીલો દરવાજા પાસે જ ફસડાઈ પડ્યા. મને થયું, બહુ અંગત હશે.... ત્યાં તો એમાંથી એક બોલ્યા, " એમના ભેગા અમને પણ મોકલવાની વ્યવસ્થા કરી છે કે શું? આમ આંગણામાં પાણી ઢોળાય?"

મેં વડીલોને ઊભા કર્યા અને ફૈબા પાસે લઈ ગયો. ત્યાં એમણે ઠૂઠવો મૂક્યો. બહાર જે રીતે પડ્યા હતા એનો ગુસ્સો જાણે તાત્કાલિક દુ:ખમાં પરિવર્તિત થયો હોય એમ બોલ્યા, " બહુ કરી, શું થયું હતું? અમને વાત પણ ન કરી? આ તો આવતી કાલે નાનકીના સાસરામાં લગન છે તો આવી શકાયું. એક પંથ દો કાજ બાકી હવે આપણાથી મુસાફરી ક્યાં થાય છે !"

અચાનક જ ફૈબાનો એક બહારગામ રહેતો ભત્રીજો હાજર થયો અને ફૈબા પાસે બેઠો. ફૈબાની દૃષ્ટિ પડતા જ એ બોલ્યો,
"મઝામાં?"
વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું !!!
ભત્રીજાને પણ કંઈક ખોટું થઈ ગયાની ગંધ આવી ગઈ. એ ફુઆની બોડી તરફ વળ્યો અને વાત વાળી...
"હમણા જ ફુઆ બેઠાં થશે એવું લાગે છે...!"

આધેડ વયના એક દંપતીએ એન્ટ્રી મારી અને ચારે તરફની દીવાલ જોવા લાગ્યા. છેવટે સ્વિચ બોર્ડ આગળ આંખો સ્થિર કરી વડીલ બોલ્યા, "સંયુક્તા, મોબાઇલ અહિંયા ચાર્જ કરવા મૂકી દો. હું ખરખરો કરી લઉં ત્યાં સુધી તમે મોબાઇલનું ધ્યાન રાખો પછી હું ધ્યાન રાખીશ અને તમે જઈ આવજો."

આ દંપતીના વારાફરતી ખરખરામાં મને એક વસ્તુ ખબર પડી કે આ દંપતીએ ઘણાને ઉપર મોકલ્યા હશે. ખૂબ જ સારા શબ્દોમાં બંનેએ ખરખરો કર્યો. બસ, વચ્ચે-વચ્ચે એકબીજાને પૂછી લેતા હતા કે કેટલા ટકા ચાર્જ થયો? જેવો મોબાઇલ ૧૦૦% ચાર્જ થયો કે બન્ને ક્યાં સરકી ગયા એ ખબર જ ન પડી!

લગભગ બધા જ આવી ગયા હતા, બપોરના જમણવારની વ્યવસ્થા થઈ ગઈ હતી, ફુઆ બંધાઈ ગયા હતા, કોણ કેવી રીતે, કોની ગાડીમાં જશે એ બધી જ વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ હતી એટલે સર્વાનુમતે નક્કી થયું કે હવે ફુઆને કાઢી જવામાં વાંધો નથી! મને એમ કે હવે હેમખેમ પૂરું થશે પણ પહેલા પગ બહાર કાઢવા કે માથું એ માટે ચર્ચાઓ શરૂ થઈ. ફુઆ જો સાંભળતા હોત તો ચાલતા સ્મશાને પહોંચી ગયા હોત ! અને બોલતા પણ ગયા હોત કે 'હું પહોંચું છું તમે નક્કી કરીને નીકળજો!'

છેલ્લે આડા કાઢવાનું નક્કી કરી અમે રવાના થયા. રસ્તામાં ફરી એકવાર અગ્નિદાહ કે પછી ઇલેક્ટ્રિક દાહ નક્કી કરવાની ચર્ચા શરૂ થઈ ! ચૂનિયાએ ફુઆની ઇચ્છા અગ્નિદાહની હતી એ જણાવ્યું પણ  ઘેર પાછા ફરવા ઉતાવળિયા થયેલા એક સગાએ ઉતાવળે જાહેર કર્યું કે 'અઠવાડિયા પહેલા જ ફુઆનો ફોન હતો અને મને કીધું હતું કે ઇલેક્ટ્રિક સ્મશાન સારું!' લગભગ ૨૦ માણસોએ 'મને પણ કહેતા હતાં' શબ્દો સાથે સાથ પુરાવ્યો..!

15.10.17

મૃત્યુના દેશમાં આંટો મારી આવનાર મહિલાની વાતઝીરો લાઈનઃ ગીતા માણેક

'ઓહ માય ગોડ! કેવું અદ્ભુત લાગી રહ્યું છે! હું મુક્તિ અને હળવાશનો અનુભવ કરી રહી છું. મારા શરીરમાં થઈ રહેલી પીડાનો મને કેમ અનુભવ નથી થઈ રહ્યો? એ બધી પીડા ક્યાં ગઈ? મારી આસપાસનું બધું જ દૂર જઈ રહ્યું છે અને છતાં મને ડર નથી લાગી રહ્યો. હું ભયભીત કેમ નથી? અરે વાહ, ડરનું તો ક્યાંય નામોનિશાન પણ નથી" કોમામાં સરકી ગયેલી અને ડોક્ટરોએ જેના માટે આશા મૂકી દીધી હતી એટલું જ નહીં પણ તેના અવયવો કામ કરતા બંધ થઈ ગયા છે એવું કહી દીધું હતું તે અનિતા મૂરજાની મૃત્યુને મળીને પાછી આવી છે અને પોતાનો અનુભવ તેણે આ રીતે જણાવ્યો.


એવું કહેવાય છે કે મોતના દેશથી કોઈ પાછું ફરતું નથી. આત્મા અમર છે એવું આપણે બધાએ સાંભળ્યું છે. દેહના મૃત્યુ પછી આપણું શું થાય છે એની આપણને ખબર નથી. પરંતુ સિંગાપોરમાં જન્મેલી, હોંગકોંગમાં ઉછરેલી અને ત્યાં જ રહેતી ભારતીય મૂળની સિંધી મહિલા અનિતા મૂરજાની મૃત્યુના દેશમાં જઈને પાછી ફરી છે. તેણે પોતાની વાત 'ડાઇંગ ટુ બી મી' પુસ્તકમાં કરી છે. આ અંગ્રેજી પુસ્તકની કુલ ૧૪ આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. આ પુસ્તકનો અનુવાદ વિશ્વની ૩૪ ભાષાઓમાં થઈ ચૂક્યો છે. વિશ્વભરમાં અનિતા મૂરજાનીને વક્તવ્યો આપવા, સેમિનારમાં ભાગ લેવા અને કેન્સર, એઈડ્સ જેવી ગંભીર માંદગીઓમાં પડેલા દર્દીઓ કે ડોક્ટરો દ્વારા પોતાની વાત કહેવા બોલવવામાં આવે છે. યુ-ટયૂબ તેમ જ ઇન્ટરનેટ પર વિદેશી મીડિયા અને નેશનલ જ્યોગ્રોફી, સીએનએન જેવી ટી.વી. ચેનલ્સ દ્વારા લેવામાં આવેલી તેની અનેક મુલાકાતો પણ ઉપલબ્ધ છે.


મૃત્યુના પ્રદેશમાં આંટો મારી આવેલી અઠ્ઠાવન વર્ષની અનિતા મૂરજાની આમ તો એક સર્વસામાન્ય મહિલા જેવી જ હતી. તેનો જન્મ હિન્દુસ્તાની મૂળના પણ સિંગાપોરમાં સ્થાયી થયેલા સિંધી માતા-પિતાના ઘરે થયો હતો.  પિતાના મૃત્યુના થોડા સમય બાદ અનિતા અને ડેની મૂરજાનીએ લગ્ન કરી લીધા. લગ્નને પાંચેક વર્ષ વીતી ગયા હતા એવામાં અનિતાની બેસ્ટ ફ્રેન્ડ સોનીને કેન્સરનું નિદાન થયું. એ જ અરસમાં ડેનીના બનેવીને પણ કેન્સર થયું.આ બંને કેન્સરને કારણે ધીમેધીમે મૃત્યુ તરફ સરકી રહ્યા હતા. કેન્સર વિશે જાણકારી મેળવવાના હેતુથી અનિતાએ બધી માહિતી ભેગી કરવા માંડી. પુસ્તકો, લેખ, ઇન્ટરનેટ પરથી માહિતી મળવા લાગી કે પેસ્ટિસાઈડ (પાક પર છાંટવામાં આવતી જંતુનાશક દવાઓ), માઇક્રોવેવ, પ્રિઝર્વેટીવ્ઝ, પ્રદૂષણ, પ્લાસ્ટિકના ડબ્બાઓમાં સંગ્રહ કરાયેલા ખોરાક, મોબાઈલ ફેન વગેરે વગેરેને કારણે કેન્સર થવાની સંભાવના રહે છે. આ બધું વાંચી-જાણીને તેને પણ ડર લાગવા માંડયો હતો કે મને પણ મારી બહેનપણી કે ડેનીના બનેવીની જેમ કેન્સર થશે તો? આ ભય સાથે તે જીવવા માંડી હતી.

તેનો ભય સાચો પુરવાર થયો. તેને જમણા ખભા પાસે એક ગાંઠની બાયોપ્સીનું રિઝલ્ટ એ જ આવ્યું જેનો અનિતાને ભય હતો- કેન્સર. આપણા શરીરમાં લિમ્ફેટિક સિસ્ટમ હોય છે, જેના દ્વારા શરીરમાંથી ટોક્સિન, નકામા પદાર્થો બહાર ફેંકાય છે. અનિતાને આ લિમ્ફેમા અર્થાત્ લિમ્ફેટિક સિસ્ટમનું કેન્સર થયું હોવાનું નિદાન થયું.

કેન્સર શબ્દ સાંભળીને કોઈપણ સર્વસામાન્ય વ્યક્તિની જેમ જ અનિતા પણ ફ્ફ્ડી ઊઠી. કિમોથેરપીથી સારવાર લેવાને બદલે ભારતમાં પૂણે ખાતે આયુર્વેદ અને યોગના જાણકાર પાસે સારવાર કરાવવા આવી. આ સારવારથી તેના શારીરિક સ્વાસ્થ્યમાં ખૂબ સુધારો પણ થયો. તે હોંગકોંગ પોતાના પ્રેમાળ પતિ પાસે પાછી ફરી....પણ સાથે-સાથે તેનો ભય પણ પાછો આવ્યો. પરિચિતો શંકા વ્યક્ત કરતા કે આવી રીતે તે કંઈ કેન્સર થોડું જ મટી જાય? તેમની આશંકાઓ અને ભય અનિતાના પોતાના બનવા માંડયા. કેન્સરે ફરી માથું ઊંચક્યું હતું. અનિતાની પોતાની માની અને પતિની પ્રેમભરી સારવાર કે મેડિકલ સાયન્સની બધી જ મદદ નકામી પુરવાર થઈ રહી હતી. કેન્સર જીતી રહ્યું હતું અને જીવન હારી રહ્યું હતું.

૨ ફેબ્રુઆરી ૨૦૦૬ના દિવસે અનિતા કોમામાં સરકી પડી. અનીતાને હોંગકોંગની મોટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં અગાઉ તે ક્યારેય ગઈ નહોતી. તેને જ્યારે હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરોએ હાથ ખંખેરી નાખ્યા કે તેના અવયવો બંધ પડી રહ્યા છે અને હવે આ સ્થિતિમાં અમે કંઈ કરી શકીએ એમ નથી. બસ, થોડા કલાકોનો જ મામલો છે.

અનિતા કોમામાં હતી પણ તે આ બધું જ સાંભળી શકતી હતી.

અનિતાનાં પતિએ જો કે હાર માનવાનો ઇન્કાર કર્યો અને ડોક્ટરોને વિનંતી કરી કે તમે કોશિશ તો કરો.
તેણે વિનવણી કરી એટલે વરિષ્ઠ ઓનકોલોજિસ્ટ (કેન્સર સ્પેશિયાલિસ્ટ)ને બોલાવવામાં આવ્યા. પતિના આગ્રહને વશ ડોક્ટરે સારવાર શરૂ કરી પણ તેણે પેશન્ટની ફાઈલમાં નોંધ કરી દીધી હતી કે "અમે પેશન્ટના સંબંધીઓને જાણ કરી દીધી છે કે પેશન્ટનું બચવું અસંભવ છે." અનીતાને આઈસીયુમાં દાખલ કરવામાં આવી.

અનીતા બેહોશ હોવા છતાં તેની આસપાસ શું ચાલી રહ્યું છે, નર્સની વાતચીત એટલું જ નહીં પણ આઈસીયુની બહાર છેક નીચલા માળે ડોક્ટર તેના પતિ સાથે શું વાત કરી રહ્યા છે એ બધું તે સાંભળી શકતી હતી. જેના વિશે શબ્દશઃ પછીથી તેણે જણાવ્યું પણ હતું. એટલું જ નહીં પણ ભારતથી તેનો ભાઈ હોંગકોંગ આવવા નીકળી ગયો હતો અને તે ફ્લાઈટમાં બેઠો છે એ પણ તે જોઈ શકતી હતી. તે હવે થોડાક કલાકોની જ મહેમાન છે એવા નિષ્કર્ષ પર ડોક્ટરો પહોંચી ચૂક્યા હતા. તેનું શરીર મૃત્યુ તરફ તેજ ગતિથી જઈ રહ્યું હતું પણ અનીતા અભૂતપૂર્વ રાહતનો અનુભવ કરી રહી હતી. જોકે તેના પતિ અને માને દુઃખી, વ્યથિત અને વ્યાકુળ થતા જોઈને તેને થતું હતું કે તે કોઈક રીતે તેમને કહી શકે કે તમે આટલા બધા દુઃખી ન થાઓ કારણ કે હું બહુ જ સુખનો અનુભવ કરી રહી છું. પરંતુ તેનો અવાજ તેમના સુધી પહોંચી શકતો નહોતો.

મૃત્યુના દેશમાં પ્રવેશી ચૂકેલી પણ હજુ શરીર સાથે તેનો પાતળો તાંતણો જોડાયેલો હતો અને એ ગમે તે ઘડીએ તૂટી શકે એમ હતો એ પરિસ્થિતિમાં અનીતાએ જે કંઈ અનુભવ્યું એના વિશે પછીથી તેણે લખેલા પુસ્તક 'ડાઈંગ ટુ બી મી'માં વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. જેને માટે આધ્યાત્મમાં આત્મા, ચેતનતત્ત્વ કે પ્રાણ શબ્દ વપરાય છે એ સૂક્ષ્મરૂપમાં અનીતાએ પોતાને જાણી હતી. એ સૂક્ષ્મ જગતમાં તે પોતાના મૃત પિતાને જ નહીં પણ કેન્સરમાં મૃત્યુ પામેલી તેની બહેનપણીને પણ મળી હતી. એ સૂક્ષ્મ જગતમાં અનીતા એટલા આનંદ અને રાહતનો અનુભવ કરી રહી હતી કે તે બીમારીથી બેહાલ થયેલા શરીરમાં પાછી પ્રવેશવા નહોતી માગતી. એ તબક્કે તેણે નિર્ણય લેવાનો હતો કે પાછા આવવું કે પછી એ ઉંબરો ઓળંગી મૃત્યુના પ્રદેશમાં પ્રવેશી જવું. તેણે પાછા આવવાનો નિર્ણય કર્યો કારણ કે આ અનુભવ તે વહેંચવા માગતી હતી.
તેના પુસ્તકમાં તેણે લખ્યું છેઃ મારી પાસે પાછા આવવું કે ન આવવું એની પસંદગી હતી. જ્યારે મને અહેસાસ થયો કે સ્વર્ગ એ કોઈ જગ્યા નહીં પણ સ્થિતિનું નામ છે ત્યારે મેં પાછા આવવાનો નિર્ણય લીધો.


૩૦ કલાક જેવો સમય કોમામાં વિતાવીને અનિતા પોતાની મરજીથી શરીરમાં પુનઃ પ્રવેશી. શક્ય છે કે પહેલી નજરે આ વાત મનઘડત લાગે કે માનવામાં ન આવે પરંતુ ૩૦ કલાક કોમામાં રહ્યા બાદ હોશમાં આવતાંની સાથે જ તેણે સામે ઊભેલા પુરુષને ડો. ચેન કહીને સંબોધ્યા તો તે પણ ચક્તિ થઈ ગયા, કારણ કે અગાઉ ક્યારેય તે આ ડોક્ટરને મળી નહોતી. હોસ્પિટલમાં આવી ત્યારે તે બેહોશ હતી અને છતાં ડો. ચેને તેના પતિ સાથે જે વાત કરી હતી એ તેણે અક્ષરઃ કહી દીધી. અગાઉ કહ્યું એમ તેમની વાતચીત આઈસીયુમાં નહીં પણ ભોંયતળિયે થઈ હતી. કોમામાંથી બહાર આવ્યા બાદ તે ચમત્કારિક ગતિથી સ્વસ્થ થઈ રહી હતી. ત્રણ દિવસમાં જ તેના શરીરમાંની કેન્સરની અસંખ્ય ગાંઠો ઓગળવા માંડી હતી અને છ દિવસમાં તો તે હોસ્પિટલના કોરીડોરમાં ચાલી શકતી હતી. આ જ અરસામાં ડોક્ટરે તેનો બોન મેરો ટેસ્ટ કર્યો. આ ટેસ્ટનું રિઝલ્ટ આવ્યું ત્યારે ડોક્ટર હાંફ્ળાફંફ્ળા તેના રૂમમાં આવ્યા. તેમણે કહ્યું કે ટેસ્ટના રિપોર્ટ આવ્યા છે અને એમાં કેન્સર દેખાતું નથી. ડોક્ટર એ સ્વીકારવા જ તૈયાર નહોતા કે આવું બની શકે! તેમનું મેડિકલ જ્ઞાન તેમને કહી રહ્યું હતું કે આટલી ગંભીર રીતે આખા શરીરમાં પ્રસરી ચૂકેલું કેન્સર માત્ર છ દિવસમાં કેવી રીતે ગાયબ થઈ શકે! તેમણે અનીતા પર જાતભાતના ટેસ્ટ કરી અને બધાનું જ રિઝલ્ટ નકારાત્મક આવ્યું. એટલું જ નહીં પણ કેન્સરને કારણે તેની ત્વચા પર રીતસર જખમો થયા હતા એ પણ રૂઝાઈ ગયા હતા. અનીતાના આખા શરીરમાં લીંબુના સાઈઝની કેન્સરની ગાંઠો હતી તે કઈ રીતે ઓગળી ગઈ હશે એ જાણવા માટે જગતભરની કેન્સર ઇન્સ્ટિટયૂટમાં તેનો કેસ મોકલવામાં આવ્યો હતો પણ હજુ સુધી આનો કોઈ તાર્કિક અને મેડિકલ જવાબ મળ્યો નથી.

અલબત્ત આના જવાબ અનીતા મૂરજાની પાસે છે પણ એની માટે તેની પાસે કોઈ પુરાવા નથી. અનીતાએ પોતાના આ અનુભવો તેમ જ મૃત્યુના પ્રદેશમાં જિંદગી અને જગત વિશે જે જાણ્યું અને સમજી છે એનો ચિતાર 'ડાઈંગ ટુ બી મી' પુસ્તકમાં લખ્યો છે. 

એ હકીકત છે કે મોટાભાગના રોગમાં વ્યક્તિનું મન અને તેની માનસિકતા બહુ મોટો ભાગ ભજવે છે. અનીતા મૂરજાનીએ કેન્સર વિશેનો પોતાનો અનુભવ પુસ્તકમાં લખ્યો છેઃ 'હું પણ અગાઉ માનતી હતી કે મેં કરેલા ખોટા કર્મોની, પાપની સજા મને કેન્સરના રૂપમાં મળી છે' પરંતુ અનીતાનો અનુભવ છે કે એવું નથી. દરેક ક્ષણમાં અનંત સંભાવનાઓ રહેલી છે અને એ સમયે હું ક્યાં હોઉં છું એના આધારે મારા નિર્ણયો, મારી પસંદગી અને મારા વિચારોનો સરવાળો થાય છે. અનીતા મૂરજાનીના કિસ્સામાં તેને કેન્સર થવા પાછળનું કારણ તેના પોતાના જ શબ્દોમાં કહીએ તો તેના બહુ બધા ડર હતા જે કેન્સરના રોગના રૂપમાં વ્યક્ત થઈ રહ્યા હતા. અનીતાની સૌથી નજીકની બહેનપણીને તેણે કેન્સરને લીધે વેદના અને પીડા અનુભવતા જોયા હતા. આ તબક્કે તેના મનમાં એ ડર ખૂબ જોરથી બેસી ગયો હતો કે ક્યાંક મને તો કેન્સર નહીં થાયને? મારે પણ આવી પીડાનો સામનો નહીં કરવો પડેને? આ લાગણીને તેણે ભીતર ઘૂંટાવા દીધી હતી અને પોતે ફ્ફ્ડતી રહેતી હતી એની કબૂલાત તેણે પુસ્તકના આગલા હિસ્સામાં કરી જ છે.

મૃત્યુના ઉંબરાને અડીને આવેલી અનીતા મૂરજાની જે વાતો કહી છે એ આપણામાંના ઘણાએ અગાઉ ક્યાંકને ક્યાંક કોઈ સંત-મહાત્મા કે શાસ્ત્રોમાં અથવા તત્ત્વજ્ઞાનના પુસ્તકો કે લેખમાં વાંચી અને સાંભળી હશે. પરંતુ અનીતા આપણા જેવી જ એક સર્વસામાન્ય વ્યક્તિ હતી અને તેણે જે અલૌકિક અનુભવ કર્યો એ પછીના તેના તારણો લગભગ એવા જ છે.


તે પાછી આવી ત્યારે તેને અહેસાસ થયો કે પોતાના સહિત લગભગ બાકીના બધા જ લોકો પૈસા અને ભૌતિક સુખસગવડોને મેળવવાની દોડ તેમ જ સ્પર્ધામાં કેટલા બધા તનાવમાં જીવે છે અને સંબંધો, હુન્નર, સર્જનાત્મકતા, પોતાની આગવી ઓળખ એ બધાની સદંતર અવગણના કરે છે.

અનીતા મૂરજાની લખે છે કે મૃત્યુના આ અનુભવ પછી એક સંદેશો જે હું લઈને આવી છું તે એ છે કે,


આપણે બધા જ પ્રેમનું જ મૂર્ત સ્વરૂપ છીએ,
આપણા હાર્દમાં આપણે પ્રેમ જ છીએ
અને આપણે ભવ્ય તેમ જ દિવ્ય છીએ.
આપણી ભીતરથી જ આપણને માર્ગદર્શન મળતું રહે છે
પણ આપણે એના પર ભરોસો કરતા નથી.
પોતાના સંસારના કેન્દ્રમાં દરેક વ્યક્તિ પોતે જ હોય છે
અને એટલે તે વ્યક્તિ જે અનુભવે છે એની સીધી અસર તેના સંસાર પર પડે છે.
જેમ કે પરિવારમાં કોઈ એક વ્યક્તિ ગુસ્સામાં હોય તો એની અસર તેના આખા પરિવાર પર પડે છે.
જો વ્યક્તિ પોતે ખુશ હોય તો એનો પડઘો પણ ખુશીનો જ હોવાનો.
જો હું પોતાની જાતને પ્રેમ કરું તો બધા મને પ્રેમ કરશે.
જો હું શાંત હોઈશ તો મારી આસપાસનું બધું જ એ શાંતિનું પ્રતિબિંબ બની રહેશે.

 


અનીતા કહે છે કે અગાઉ જો મારા જીવનમાં કશુંક એવું આવતું જે મને તકલીફ્દાયક હોય તો હું એને સ્થૂળ સ્તર પર બદલવાનો પ્રયાસ કરતી. પરંતુ હવે હું મારી જાતને તપાસું છું કે હું તનાવમાં, ઉદ્વેગમાં કે દુઃખી તો નથી ને. હું ભીતર જઈને મારી અંદર એ સ્થિતિને બદલવાનો પ્રયાસ કરું છું. એના માટે હું મારી જાત સાથે સમય વીતાવું છું, કુદરતના સાનિધ્યમાં ચાલવા નીકળી પડું છું અથવા એવું સંગીત સાંભળું છું જે મને મારા કેન્દ્ર પર પાછી લાવે અને હું શાંત થાઉં, વિખેરાયેલું મારું મન કેન્દ્રિત થાય. મેં એવું નોંધ્યું છે કે જ્યારે હું આવું કરું છું ત્યારે જેમ-જેમ ભીતર બદલાવ આવે એમ-એમ મારા બાહ્ય જગતમાં પણ એ પ્રમાણેનો ફેરફર થવા માંડે છે. બાહ્ય જગતમાં આ ફેરફર મારા એ અંગેના સક્રિય પ્રયાસો વિના જ થવા માંડે છે. અમુક અવરોધ તો પોતાની જાતે જ દૂર થઈ જાય છે.


તેને પોતાને કેન્સર શા માટે થયું હતું એનું વિશ્લેષણ તેણે પાછા ર્ફ્યા બાદ કર્યું હતું. આપણામાંના ઘણા લોકોની જેમ અનીતાને પણ નિષ્ફ્ળ થવાનો, લોકો શું કહેશે, તેમને હું નહીં ગમું તો, મારી આસપાસના લોકોની મારી પાસે જે અપેક્ષા છે એ હું પૂરી તો કરી શકીશને જેવા અનેક ભયથી તે પીડાતી રહેતી હતી. અનીતા મૂરજાની લખે છે, હું સતત લોકોના સારા પ્રમાણપત્રને ઝંખતી રહેતી હતી. મારા પોતાના સિવાય મને બધાની સંમતિની ચિંતા રહેતી હતી. મને બીમારીઓનો ભય હતો અને ખાસ કરીને કેન્સરનો. હું જીવન જીવતાં ડરતી હતી અને મૃત્યુથી ફ્ફ્ડતી હતી. મને કેન્સર થયા બાદ આમ તો દેખીતી રીતે હું આ રોગ સામે લડી રહી હતી પણ મનોમન મેં કેન્સર એટલે મૃત્યુદંડ એવું મેં સ્વીકારી લીધું હતું. મૃત્યુનો મને અત્યંત ડર લાગી રહ્યો હતો.


જ્યારે મૃત્યુના પ્રદેશમાં હું પહોંચી ત્યારે મને અહેસાસ થયો કે હું મારી જાત સાથે કેટલી કઠોરતાથી વર્તી હતી. બીજું કોઈ નહીં હું પોતે જ મારી જાતને આરોપી બનાવતી હતી અને મૂલ્યાંકન કરતી રહેતી હતી. મને સમજાયું કે સૌથી પહેલાં તો મારે જ મારી જાતને માફ્ કરવાની હતી. એ અલૌકિક વિશ્વમાં મને સમજાયું કે હું તો આ બ્રહ્માંડનું સુંદર સંતાન છું અને મને સૃષ્ટિ બેશર્ત પ્રેમ કરી રહી છે. એ પ્રેમ પામવા માટે મારે કંઈ ભીખ માગવાની કે પ્રાર્થનાઓ કે કંઈ જ કરવાની જરૂર નથી. મને અહેસાસ થયો કે મેં પોતે જ મારી જાતને ક્યારેય પ્રેમ કર્યો નહોતો, મેં પોતાનું જ મૂલ્ય સમજ્યું નહોતું કે મારા આત્માની સુંદરતાને ક્યારેય પિછાણી નહોતી. આ દિવ્ય અને ભવ્ય બેશર્ત પ્રેમ મારા પર વરસતો જ હતો પણ દૈહિક રૂપમાં હું જ તેને મારા સુધી પહોંચવા નહોતી દેતી અને એને હડસેલતી હતી.
આ પ્રેમનો અહેસાસ કરવા, એ પ્રત્યે સજાગ થવા મને કોઈ રોકતું હોય તો એ મારું પોતાનું મન- મારા પોતાના વિચારો અને હું ક્ષુદ્ર તેમ જ ક્ષુલ્લક છું એવી મારી માન્યતા હતી.

અનીતા મૂરજાની આમ તો તમારા અને મારા જેવી તદ્દન સામાન્ય વ્યક્તિ જ હતી પણ કોઈ અકળ કારણસર તેને દિવ્ય અનુભવ પ્રાપ્ત થયો જેમાં તે મૃત્યુ અને જિંદગી વચ્ચેની પાતળી રેખા ઓળંગીને પાછી ફરી. પાછા ફરવાની પસંદગી કર્યા બાદ તેણે મેળવેલા સમજણના આ મોતી આ પુસ્તકના પાનાંઓ પર વેરાયેલા છે. તેની આ સમજણ અને અનુભવને તે વિશ્વભરમાં ફરી -ફરીને વહેંચી રહી છે.