15.10.17

મૃત્યુના દેશમાં આંટો મારી આવનાર મહિલાની વાત



ઝીરો લાઈનઃ ગીતા માણેક





'ઓહ માય ગોડ! કેવું અદ્ભુત લાગી રહ્યું છે! હું મુક્તિ અને હળવાશનો અનુભવ કરી રહી છું. મારા શરીરમાં થઈ રહેલી પીડાનો મને કેમ અનુભવ નથી થઈ રહ્યો? એ બધી પીડા ક્યાં ગઈ? મારી આસપાસનું બધું જ દૂર જઈ રહ્યું છે અને છતાં મને ડર નથી લાગી રહ્યો. હું ભયભીત કેમ નથી? અરે વાહ, ડરનું તો ક્યાંય નામોનિશાન પણ નથી" કોમામાં સરકી ગયેલી અને ડોક્ટરોએ જેના માટે આશા મૂકી દીધી હતી એટલું જ નહીં પણ તેના અવયવો કામ કરતા બંધ થઈ ગયા છે એવું કહી દીધું હતું તે અનિતા મૂરજાની મૃત્યુને મળીને પાછી આવી છે અને પોતાનો અનુભવ તેણે આ રીતે જણાવ્યો.


એવું કહેવાય છે કે મોતના દેશથી કોઈ પાછું ફરતું નથી. આત્મા અમર છે એવું આપણે બધાએ સાંભળ્યું છે. દેહના મૃત્યુ પછી આપણું શું થાય છે એની આપણને ખબર નથી. પરંતુ સિંગાપોરમાં જન્મેલી, હોંગકોંગમાં ઉછરેલી અને ત્યાં જ રહેતી ભારતીય મૂળની સિંધી મહિલા અનિતા મૂરજાની મૃત્યુના દેશમાં જઈને પાછી ફરી છે. તેણે પોતાની વાત 'ડાઇંગ ટુ બી મી' પુસ્તકમાં કરી છે. આ અંગ્રેજી પુસ્તકની કુલ ૧૪ આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. આ પુસ્તકનો અનુવાદ વિશ્વની ૩૪ ભાષાઓમાં થઈ ચૂક્યો છે. વિશ્વભરમાં અનિતા મૂરજાનીને વક્તવ્યો આપવા, સેમિનારમાં ભાગ લેવા અને કેન્સર, એઈડ્સ જેવી ગંભીર માંદગીઓમાં પડેલા દર્દીઓ કે ડોક્ટરો દ્વારા પોતાની વાત કહેવા બોલવવામાં આવે છે. યુ-ટયૂબ તેમ જ ઇન્ટરનેટ પર વિદેશી મીડિયા અને નેશનલ જ્યોગ્રોફી, સીએનએન જેવી ટી.વી. ચેનલ્સ દ્વારા લેવામાં આવેલી તેની અનેક મુલાકાતો પણ ઉપલબ્ધ છે.


મૃત્યુના પ્રદેશમાં આંટો મારી આવેલી અઠ્ઠાવન વર્ષની અનિતા મૂરજાની આમ તો એક સર્વસામાન્ય મહિલા જેવી જ હતી. તેનો જન્મ હિન્દુસ્તાની મૂળના પણ સિંગાપોરમાં સ્થાયી થયેલા સિંધી માતા-પિતાના ઘરે થયો હતો.  પિતાના મૃત્યુના થોડા સમય બાદ અનિતા અને ડેની મૂરજાનીએ લગ્ન કરી લીધા. લગ્નને પાંચેક વર્ષ વીતી ગયા હતા એવામાં અનિતાની બેસ્ટ ફ્રેન્ડ સોનીને કેન્સરનું નિદાન થયું. એ જ અરસમાં ડેનીના બનેવીને પણ કેન્સર થયું.આ બંને કેન્સરને કારણે ધીમેધીમે મૃત્યુ તરફ સરકી રહ્યા હતા. કેન્સર વિશે જાણકારી મેળવવાના હેતુથી અનિતાએ બધી માહિતી ભેગી કરવા માંડી. પુસ્તકો, લેખ, ઇન્ટરનેટ પરથી માહિતી મળવા લાગી કે પેસ્ટિસાઈડ (પાક પર છાંટવામાં આવતી જંતુનાશક દવાઓ), માઇક્રોવેવ, પ્રિઝર્વેટીવ્ઝ, પ્રદૂષણ, પ્લાસ્ટિકના ડબ્બાઓમાં સંગ્રહ કરાયેલા ખોરાક, મોબાઈલ ફેન વગેરે વગેરેને કારણે કેન્સર થવાની સંભાવના રહે છે. આ બધું વાંચી-જાણીને તેને પણ ડર લાગવા માંડયો હતો કે મને પણ મારી બહેનપણી કે ડેનીના બનેવીની જેમ કેન્સર થશે તો? આ ભય સાથે તે જીવવા માંડી હતી.

તેનો ભય સાચો પુરવાર થયો. તેને જમણા ખભા પાસે એક ગાંઠની બાયોપ્સીનું રિઝલ્ટ એ જ આવ્યું જેનો અનિતાને ભય હતો- કેન્સર. આપણા શરીરમાં લિમ્ફેટિક સિસ્ટમ હોય છે, જેના દ્વારા શરીરમાંથી ટોક્સિન, નકામા પદાર્થો બહાર ફેંકાય છે. અનિતાને આ લિમ્ફેમા અર્થાત્ લિમ્ફેટિક સિસ્ટમનું કેન્સર થયું હોવાનું નિદાન થયું.

કેન્સર શબ્દ સાંભળીને કોઈપણ સર્વસામાન્ય વ્યક્તિની જેમ જ અનિતા પણ ફ્ફ્ડી ઊઠી. કિમોથેરપીથી સારવાર લેવાને બદલે ભારતમાં પૂણે ખાતે આયુર્વેદ અને યોગના જાણકાર પાસે સારવાર કરાવવા આવી. આ સારવારથી તેના શારીરિક સ્વાસ્થ્યમાં ખૂબ સુધારો પણ થયો. તે હોંગકોંગ પોતાના પ્રેમાળ પતિ પાસે પાછી ફરી....પણ સાથે-સાથે તેનો ભય પણ પાછો આવ્યો. પરિચિતો શંકા વ્યક્ત કરતા કે આવી રીતે તે કંઈ કેન્સર થોડું જ મટી જાય? તેમની આશંકાઓ અને ભય અનિતાના પોતાના બનવા માંડયા. કેન્સરે ફરી માથું ઊંચક્યું હતું. અનિતાની પોતાની માની અને પતિની પ્રેમભરી સારવાર કે મેડિકલ સાયન્સની બધી જ મદદ નકામી પુરવાર થઈ રહી હતી. કેન્સર જીતી રહ્યું હતું અને જીવન હારી રહ્યું હતું.

૨ ફેબ્રુઆરી ૨૦૦૬ના દિવસે અનિતા કોમામાં સરકી પડી. અનીતાને હોંગકોંગની મોટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં અગાઉ તે ક્યારેય ગઈ નહોતી. તેને જ્યારે હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરોએ હાથ ખંખેરી નાખ્યા કે તેના અવયવો બંધ પડી રહ્યા છે અને હવે આ સ્થિતિમાં અમે કંઈ કરી શકીએ એમ નથી. બસ, થોડા કલાકોનો જ મામલો છે.

અનિતા કોમામાં હતી પણ તે આ બધું જ સાંભળી શકતી હતી.

અનિતાનાં પતિએ જો કે હાર માનવાનો ઇન્કાર કર્યો અને ડોક્ટરોને વિનંતી કરી કે તમે કોશિશ તો કરો.
તેણે વિનવણી કરી એટલે વરિષ્ઠ ઓનકોલોજિસ્ટ (કેન્સર સ્પેશિયાલિસ્ટ)ને બોલાવવામાં આવ્યા. પતિના આગ્રહને વશ ડોક્ટરે સારવાર શરૂ કરી પણ તેણે પેશન્ટની ફાઈલમાં નોંધ કરી દીધી હતી કે "અમે પેશન્ટના સંબંધીઓને જાણ કરી દીધી છે કે પેશન્ટનું બચવું અસંભવ છે." અનીતાને આઈસીયુમાં દાખલ કરવામાં આવી.

અનીતા બેહોશ હોવા છતાં તેની આસપાસ શું ચાલી રહ્યું છે, નર્સની વાતચીત એટલું જ નહીં પણ આઈસીયુની બહાર છેક નીચલા માળે ડોક્ટર તેના પતિ સાથે શું વાત કરી રહ્યા છે એ બધું તે સાંભળી શકતી હતી. જેના વિશે શબ્દશઃ પછીથી તેણે જણાવ્યું પણ હતું. એટલું જ નહીં પણ ભારતથી તેનો ભાઈ હોંગકોંગ આવવા નીકળી ગયો હતો અને તે ફ્લાઈટમાં બેઠો છે એ પણ તે જોઈ શકતી હતી. તે હવે થોડાક કલાકોની જ મહેમાન છે એવા નિષ્કર્ષ પર ડોક્ટરો પહોંચી ચૂક્યા હતા. તેનું શરીર મૃત્યુ તરફ તેજ ગતિથી જઈ રહ્યું હતું પણ અનીતા અભૂતપૂર્વ રાહતનો અનુભવ કરી રહી હતી. જોકે તેના પતિ અને માને દુઃખી, વ્યથિત અને વ્યાકુળ થતા જોઈને તેને થતું હતું કે તે કોઈક રીતે તેમને કહી શકે કે તમે આટલા બધા દુઃખી ન થાઓ કારણ કે હું બહુ જ સુખનો અનુભવ કરી રહી છું. પરંતુ તેનો અવાજ તેમના સુધી પહોંચી શકતો નહોતો.

મૃત્યુના દેશમાં પ્રવેશી ચૂકેલી પણ હજુ શરીર સાથે તેનો પાતળો તાંતણો જોડાયેલો હતો અને એ ગમે તે ઘડીએ તૂટી શકે એમ હતો એ પરિસ્થિતિમાં અનીતાએ જે કંઈ અનુભવ્યું એના વિશે પછીથી તેણે લખેલા પુસ્તક 'ડાઈંગ ટુ બી મી'માં વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. જેને માટે આધ્યાત્મમાં આત્મા, ચેતનતત્ત્વ કે પ્રાણ શબ્દ વપરાય છે એ સૂક્ષ્મરૂપમાં અનીતાએ પોતાને જાણી હતી. એ સૂક્ષ્મ જગતમાં તે પોતાના મૃત પિતાને જ નહીં પણ કેન્સરમાં મૃત્યુ પામેલી તેની બહેનપણીને પણ મળી હતી. એ સૂક્ષ્મ જગતમાં અનીતા એટલા આનંદ અને રાહતનો અનુભવ કરી રહી હતી કે તે બીમારીથી બેહાલ થયેલા શરીરમાં પાછી પ્રવેશવા નહોતી માગતી. એ તબક્કે તેણે નિર્ણય લેવાનો હતો કે પાછા આવવું કે પછી એ ઉંબરો ઓળંગી મૃત્યુના પ્રદેશમાં પ્રવેશી જવું. તેણે પાછા આવવાનો નિર્ણય કર્યો કારણ કે આ અનુભવ તે વહેંચવા માગતી હતી.
તેના પુસ્તકમાં તેણે લખ્યું છેઃ મારી પાસે પાછા આવવું કે ન આવવું એની પસંદગી હતી. જ્યારે મને અહેસાસ થયો કે સ્વર્ગ એ કોઈ જગ્યા નહીં પણ સ્થિતિનું નામ છે ત્યારે મેં પાછા આવવાનો નિર્ણય લીધો.


૩૦ કલાક જેવો સમય કોમામાં વિતાવીને અનિતા પોતાની મરજીથી શરીરમાં પુનઃ પ્રવેશી. શક્ય છે કે પહેલી નજરે આ વાત મનઘડત લાગે કે માનવામાં ન આવે પરંતુ ૩૦ કલાક કોમામાં રહ્યા બાદ હોશમાં આવતાંની સાથે જ તેણે સામે ઊભેલા પુરુષને ડો. ચેન કહીને સંબોધ્યા તો તે પણ ચક્તિ થઈ ગયા, કારણ કે અગાઉ ક્યારેય તે આ ડોક્ટરને મળી નહોતી. હોસ્પિટલમાં આવી ત્યારે તે બેહોશ હતી અને છતાં ડો. ચેને તેના પતિ સાથે જે વાત કરી હતી એ તેણે અક્ષરઃ કહી દીધી. અગાઉ કહ્યું એમ તેમની વાતચીત આઈસીયુમાં નહીં પણ ભોંયતળિયે થઈ હતી. કોમામાંથી બહાર આવ્યા બાદ તે ચમત્કારિક ગતિથી સ્વસ્થ થઈ રહી હતી. ત્રણ દિવસમાં જ તેના શરીરમાંની કેન્સરની અસંખ્ય ગાંઠો ઓગળવા માંડી હતી અને છ દિવસમાં તો તે હોસ્પિટલના કોરીડોરમાં ચાલી શકતી હતી. આ જ અરસામાં ડોક્ટરે તેનો બોન મેરો ટેસ્ટ કર્યો. આ ટેસ્ટનું રિઝલ્ટ આવ્યું ત્યારે ડોક્ટર હાંફ્ળાફંફ્ળા તેના રૂમમાં આવ્યા. તેમણે કહ્યું કે ટેસ્ટના રિપોર્ટ આવ્યા છે અને એમાં કેન્સર દેખાતું નથી. ડોક્ટર એ સ્વીકારવા જ તૈયાર નહોતા કે આવું બની શકે! તેમનું મેડિકલ જ્ઞાન તેમને કહી રહ્યું હતું કે આટલી ગંભીર રીતે આખા શરીરમાં પ્રસરી ચૂકેલું કેન્સર માત્ર છ દિવસમાં કેવી રીતે ગાયબ થઈ શકે! તેમણે અનીતા પર જાતભાતના ટેસ્ટ કરી અને બધાનું જ રિઝલ્ટ નકારાત્મક આવ્યું. એટલું જ નહીં પણ કેન્સરને કારણે તેની ત્વચા પર રીતસર જખમો થયા હતા એ પણ રૂઝાઈ ગયા હતા. અનીતાના આખા શરીરમાં લીંબુના સાઈઝની કેન્સરની ગાંઠો હતી તે કઈ રીતે ઓગળી ગઈ હશે એ જાણવા માટે જગતભરની કેન્સર ઇન્સ્ટિટયૂટમાં તેનો કેસ મોકલવામાં આવ્યો હતો પણ હજુ સુધી આનો કોઈ તાર્કિક અને મેડિકલ જવાબ મળ્યો નથી.

અલબત્ત આના જવાબ અનીતા મૂરજાની પાસે છે પણ એની માટે તેની પાસે કોઈ પુરાવા નથી. અનીતાએ પોતાના આ અનુભવો તેમ જ મૃત્યુના પ્રદેશમાં જિંદગી અને જગત વિશે જે જાણ્યું અને સમજી છે એનો ચિતાર 'ડાઈંગ ટુ બી મી' પુસ્તકમાં લખ્યો છે. 

એ હકીકત છે કે મોટાભાગના રોગમાં વ્યક્તિનું મન અને તેની માનસિકતા બહુ મોટો ભાગ ભજવે છે. અનીતા મૂરજાનીએ કેન્સર વિશેનો પોતાનો અનુભવ પુસ્તકમાં લખ્યો છેઃ 'હું પણ અગાઉ માનતી હતી કે મેં કરેલા ખોટા કર્મોની, પાપની સજા મને કેન્સરના રૂપમાં મળી છે' પરંતુ અનીતાનો અનુભવ છે કે એવું નથી. દરેક ક્ષણમાં અનંત સંભાવનાઓ રહેલી છે અને એ સમયે હું ક્યાં હોઉં છું એના આધારે મારા નિર્ણયો, મારી પસંદગી અને મારા વિચારોનો સરવાળો થાય છે. અનીતા મૂરજાનીના કિસ્સામાં તેને કેન્સર થવા પાછળનું કારણ તેના પોતાના જ શબ્દોમાં કહીએ તો તેના બહુ બધા ડર હતા જે કેન્સરના રોગના રૂપમાં વ્યક્ત થઈ રહ્યા હતા. અનીતાની સૌથી નજીકની બહેનપણીને તેણે કેન્સરને લીધે વેદના અને પીડા અનુભવતા જોયા હતા. આ તબક્કે તેના મનમાં એ ડર ખૂબ જોરથી બેસી ગયો હતો કે ક્યાંક મને તો કેન્સર નહીં થાયને? મારે પણ આવી પીડાનો સામનો નહીં કરવો પડેને? આ લાગણીને તેણે ભીતર ઘૂંટાવા દીધી હતી અને પોતે ફ્ફ્ડતી રહેતી હતી એની કબૂલાત તેણે પુસ્તકના આગલા હિસ્સામાં કરી જ છે.

મૃત્યુના ઉંબરાને અડીને આવેલી અનીતા મૂરજાની જે વાતો કહી છે એ આપણામાંના ઘણાએ અગાઉ ક્યાંકને ક્યાંક કોઈ સંત-મહાત્મા કે શાસ્ત્રોમાં અથવા તત્ત્વજ્ઞાનના પુસ્તકો કે લેખમાં વાંચી અને સાંભળી હશે. પરંતુ અનીતા આપણા જેવી જ એક સર્વસામાન્ય વ્યક્તિ હતી અને તેણે જે અલૌકિક અનુભવ કર્યો એ પછીના તેના તારણો લગભગ એવા જ છે.


તે પાછી આવી ત્યારે તેને અહેસાસ થયો કે પોતાના સહિત લગભગ બાકીના બધા જ લોકો પૈસા અને ભૌતિક સુખસગવડોને મેળવવાની દોડ તેમ જ સ્પર્ધામાં કેટલા બધા તનાવમાં જીવે છે અને સંબંધો, હુન્નર, સર્જનાત્મકતા, પોતાની આગવી ઓળખ એ બધાની સદંતર અવગણના કરે છે.

અનીતા મૂરજાની લખે છે કે મૃત્યુના આ અનુભવ પછી એક સંદેશો જે હું લઈને આવી છું તે એ છે કે,


આપણે બધા જ પ્રેમનું જ મૂર્ત સ્વરૂપ છીએ,
આપણા હાર્દમાં આપણે પ્રેમ જ છીએ
અને આપણે ભવ્ય તેમ જ દિવ્ય છીએ.
આપણી ભીતરથી જ આપણને માર્ગદર્શન મળતું રહે છે
પણ આપણે એના પર ભરોસો કરતા નથી.
પોતાના સંસારના કેન્દ્રમાં દરેક વ્યક્તિ પોતે જ હોય છે
અને એટલે તે વ્યક્તિ જે અનુભવે છે એની સીધી અસર તેના સંસાર પર પડે છે.
જેમ કે પરિવારમાં કોઈ એક વ્યક્તિ ગુસ્સામાં હોય તો એની અસર તેના આખા પરિવાર પર પડે છે.
જો વ્યક્તિ પોતે ખુશ હોય તો એનો પડઘો પણ ખુશીનો જ હોવાનો.
જો હું પોતાની જાતને પ્રેમ કરું તો બધા મને પ્રેમ કરશે.
જો હું શાંત હોઈશ તો મારી આસપાસનું બધું જ એ શાંતિનું પ્રતિબિંબ બની રહેશે.

 


અનીતા કહે છે કે અગાઉ જો મારા જીવનમાં કશુંક એવું આવતું જે મને તકલીફ્દાયક હોય તો હું એને સ્થૂળ સ્તર પર બદલવાનો પ્રયાસ કરતી. પરંતુ હવે હું મારી જાતને તપાસું છું કે હું તનાવમાં, ઉદ્વેગમાં કે દુઃખી તો નથી ને. હું ભીતર જઈને મારી અંદર એ સ્થિતિને બદલવાનો પ્રયાસ કરું છું. એના માટે હું મારી જાત સાથે સમય વીતાવું છું, કુદરતના સાનિધ્યમાં ચાલવા નીકળી પડું છું અથવા એવું સંગીત સાંભળું છું જે મને મારા કેન્દ્ર પર પાછી લાવે અને હું શાંત થાઉં, વિખેરાયેલું મારું મન કેન્દ્રિત થાય. મેં એવું નોંધ્યું છે કે જ્યારે હું આવું કરું છું ત્યારે જેમ-જેમ ભીતર બદલાવ આવે એમ-એમ મારા બાહ્ય જગતમાં પણ એ પ્રમાણેનો ફેરફર થવા માંડે છે. બાહ્ય જગતમાં આ ફેરફર મારા એ અંગેના સક્રિય પ્રયાસો વિના જ થવા માંડે છે. અમુક અવરોધ તો પોતાની જાતે જ દૂર થઈ જાય છે.


તેને પોતાને કેન્સર શા માટે થયું હતું એનું વિશ્લેષણ તેણે પાછા ર્ફ્યા બાદ કર્યું હતું. આપણામાંના ઘણા લોકોની જેમ અનીતાને પણ નિષ્ફ્ળ થવાનો, લોકો શું કહેશે, તેમને હું નહીં ગમું તો, મારી આસપાસના લોકોની મારી પાસે જે અપેક્ષા છે એ હું પૂરી તો કરી શકીશને જેવા અનેક ભયથી તે પીડાતી રહેતી હતી. અનીતા મૂરજાની લખે છે, હું સતત લોકોના સારા પ્રમાણપત્રને ઝંખતી રહેતી હતી. મારા પોતાના સિવાય મને બધાની સંમતિની ચિંતા રહેતી હતી. મને બીમારીઓનો ભય હતો અને ખાસ કરીને કેન્સરનો. હું જીવન જીવતાં ડરતી હતી અને મૃત્યુથી ફ્ફ્ડતી હતી. મને કેન્સર થયા બાદ આમ તો દેખીતી રીતે હું આ રોગ સામે લડી રહી હતી પણ મનોમન મેં કેન્સર એટલે મૃત્યુદંડ એવું મેં સ્વીકારી લીધું હતું. મૃત્યુનો મને અત્યંત ડર લાગી રહ્યો હતો.


જ્યારે મૃત્યુના પ્રદેશમાં હું પહોંચી ત્યારે મને અહેસાસ થયો કે હું મારી જાત સાથે કેટલી કઠોરતાથી વર્તી હતી. બીજું કોઈ નહીં હું પોતે જ મારી જાતને આરોપી બનાવતી હતી અને મૂલ્યાંકન કરતી રહેતી હતી. મને સમજાયું કે સૌથી પહેલાં તો મારે જ મારી જાતને માફ્ કરવાની હતી. એ અલૌકિક વિશ્વમાં મને સમજાયું કે હું તો આ બ્રહ્માંડનું સુંદર સંતાન છું અને મને સૃષ્ટિ બેશર્ત પ્રેમ કરી રહી છે. એ પ્રેમ પામવા માટે મારે કંઈ ભીખ માગવાની કે પ્રાર્થનાઓ કે કંઈ જ કરવાની જરૂર નથી. મને અહેસાસ થયો કે મેં પોતે જ મારી જાતને ક્યારેય પ્રેમ કર્યો નહોતો, મેં પોતાનું જ મૂલ્ય સમજ્યું નહોતું કે મારા આત્માની સુંદરતાને ક્યારેય પિછાણી નહોતી. આ દિવ્ય અને ભવ્ય બેશર્ત પ્રેમ મારા પર વરસતો જ હતો પણ દૈહિક રૂપમાં હું જ તેને મારા સુધી પહોંચવા નહોતી દેતી અને એને હડસેલતી હતી.
આ પ્રેમનો અહેસાસ કરવા, એ પ્રત્યે સજાગ થવા મને કોઈ રોકતું હોય તો એ મારું પોતાનું મન- મારા પોતાના વિચારો અને હું ક્ષુદ્ર તેમ જ ક્ષુલ્લક છું એવી મારી માન્યતા હતી.

અનીતા મૂરજાની આમ તો તમારા અને મારા જેવી તદ્દન સામાન્ય વ્યક્તિ જ હતી પણ કોઈ અકળ કારણસર તેને દિવ્ય અનુભવ પ્રાપ્ત થયો જેમાં તે મૃત્યુ અને જિંદગી વચ્ચેની પાતળી રેખા ઓળંગીને પાછી ફરી. પાછા ફરવાની પસંદગી કર્યા બાદ તેણે મેળવેલા સમજણના આ મોતી આ પુસ્તકના પાનાંઓ પર વેરાયેલા છે. તેની આ સમજણ અને અનુભવને તે વિશ્વભરમાં ફરી -ફરીને વહેંચી રહી છે.


21.9.17

કતરા કતરા પીને દો , ઝીંદગી હૈ !




એ જયારે મેનુ માંથી આઇટમ પસંદ કરવામાં સમય લેતી હોય
ત્યારે એને જેટલો સમય લેવો હોય એટલો લેવા દો....
રાંધતી વખતે દરરોજ એ જ તો કેટલોય સમય લઈને  નક્કી કરે છે કે શું બનાવવું, કોના માટે ને કેટલું બનાવવું !   

એ જયારે બહાર જતી વખતે તૈયાર થવામાં સમય લેતી હોય ત્યારે એને  જેટલો સમય લેવો હોય એટલો લેવા દો....
એ જ તો તમારા ઈસ્ત્રીબંધ કપડાં ને ગોઠવવામાં પુષ્કળ સમય ખર્ચે છે...ને એટલે જ તો તમારા મોજાં ક્યાં છે એની તમારા કરતાં એને વધારે ખબર હોય છે !
તમારૂ સંતાન સૌથી સરસ દેખાતું બાળક લાગે એ માટે ય , એ જ પોતાનો સમય- શક્તિ ખર્ચે છે.

એ જયારે ટીવી પર એક પછી એક સિરિયલ જોયા કરતી હોય ત્યારે એને જેટલું ટીવી જોવું હોય એટલું જોવા દો.
એ ફક્ત  ઉભડક મને ટીવી જુએ છે, એનું મગજ તો એ જ ધ્યાન રાખતું હોય છે કે કેટલા વાગ્યા.
જેવો રસોઈ નો સમય થયો કે એ રસોડા તરફ ભાગશે. 

સવારે નાસ્તો પીરસતી વખતે એ મોડું કરે તો એને કરવા દો.
જરા વધારે બળી ગયેલી રોટલી એણે પોતાના માટે રાખી લીધી છે અને તમારા માટે નવી સારી રોટલી બનાવવામાં મોડું થઇ રહ્યું છે !

ચા પીધા પછી એ બારીની બહાર શૂન્યવત જોયા કરતી હોય તો એને એમ કરવા દો...
એણે પોતાની જિંદગીના હજારો કલાકો તમને આપ્યા છે,  ખુદના માટે
એને થોડીક પળો ભોગવવા દો.

એ જિંદગીમાં ભાગદોડ કરતી રહી છે,
જ્યાં જ્યાં જરૂર પડે,
જ્યારે જ્યારે જરૂર પડે,
ત્યારે પોતાનો સમય આપતી રહી છે.

એ પોતે જેટલી ભાગદોડ કરી રહી છે એનાથી વધુ ભાગદોડ  એને ના કરાવો .

એ પોતે જેટલું જોર લગાવી રહી છે એનાથી વધુ જોર એના પર ના લગાવો.
 

 

 

18.9.17

કંઈ નહીં !


કંઈ નહીં !


 

સાંજે ઘરે આવીને તું અચૂક મને પૂછતો :
"આજે શું શું કર્યું?"
...ને હું મૂંઝાઈ જતી.

કેટલુંય વિચારું તોય જવાબ ન સૂઝતો કે મેં દિવસભર શું કર્યું !
સમય સપનાની જેમ સરી ક્યાં ગયો !
અંતે હારીને કહી દેતી :
"કંઈ નહીં  !"

અને તું મર્માળુ હસી પડતો...

એ દિવસે
મારું એવું કરમાયેલું 'કંઈ નહીં' સાંભળીને
તેં મારો હાથ તારા હાથમાં લઈને કહ્યું:

"સાંભળ, આ 'કંઈ નહીં' કરવાનું પણ બધાનું ગજું નથી હોતું.
સૂરજના પહેલા કિરણની સાથે જ ઊઠી જઈ,
મારી ચામાં તાજગી
અને બાળકોના દૂધમાં તંદુરસ્તી મેળવવી,

ટિફિનમાં પ્રસન્નતા ભરવી,
તેમને સ્કૂલ રવાના કરવાં,
પછી મારો નાસ્તો,

મને ઑફિસ માટે વિદાય કરવો,
કામવાળી બાઈથી માંડીને બાળકોના સ્કૂલથી આવવાના સમય સુધી
રસોઈ, કપડાં, સાફસૂફી, તેમનો અભ્યાસ...

પછી સાંજ અને રાતનાં રોજિંદાં રૂટીન...
અને આ બધાંની વચ્ચે પણ
બહારના કામકાજ માટે થોડો સમય ચોરી લેવો!

કહે તો ખરી, આટલું બધું 'કંઈ નહીં' કેવી રીતે કરી લે છે..?"

હું મુગ્ધતાથી તને સાંભળી રહી હતી અને તું બોલ્યે જતો હતો;

"તારું 'કંઈ નહીં' જ આ ઘરનો પ્રાણ છે.
અમે ઋણી છીએ તારા આ 'કંઈ નહીં'ના !
કેમ કે તું 'કંઈ નથી' કરતી ત્યારે જ
અમે 'ઘણુંબધું' કરી શકીએ છીએ...!

તારું 'કંઈ નહીં'
અમારી નિરાંત છે,

અમારો આધાર છે,

અમારી મહત્વાકાંક્ષા છે...

તારા એ 'કંઈ નહીં'થી જ
આ મકાન ઘર બને છે,

તારા એ 'કંઈ નહીં'થી જ
આ ઘરનાં તમામ સુખ-વૈભવ છે...!"

તેં
મારા
સમર્પણને
માન આપ્યું,
મારા 'કંઈ નહીં'ને સન્માન આપ્યું....
હવે
'કંઈ નહીં'
કરવામાં મને
કોઈ સંકોચ નથી...!

(રચયિતાનું નામ જાણી શકાયું નથી )

એક મિનિટ !

એક મિનિટ !
by Derek Rydell  in “One Minute Mystic”
 
સવારે જાગીને પથારીમાંથી ઉભા થતા પહેલાં, એક મિનિટ માટે તમારા શ્વાસ પર ધ્યાન ધરો.

ન્હાતી વખતે, એક મિનિટ માટે, તમારી ત્વચાને સ્પર્શી રહેલા જળ પરત્વે, એના અવાજ અને એનાથી થતી સંવેદના પરત્વે સભાન થાવ. દિવસભરના પ્લાનીંગમાં  કે ભવિષ્યના વિચારોમાં ખેંચાઈ  જવાને બદલે તમારા શરીરમાં સ્થિર રહો.      

કાર કે બસમાં બેસી જ્યારે તમે ઈચ્છિત સ્થાને પહોંચી જાવ, ત્યારે તમારા શ્વાસનું નિરીક્ષણ કરો, અને જગતની સંપૂર્ણ સંવાદિતા માટે કૃતજ્ઞતા અનુભવો. 

કામ શરૂ કરતાં પહેલાં, એક મિનિટ ફાળવીને,  તમને મળેલ રોજગાર માટે કૃતજ્ઞતા અનુભવો. ત્યાં રહેલ દરેકના કલ્યાણની કામના કરો અને એમ ઈચ્છો કે આજનો દિવસ તમારી જિંદગીનો સૌથી પ્રેરણાદાયી દિવસ બની રહે. 

તમારું શરીર બિનજરૂરી થઇ ગયેલી તમામ વસ્તુઓનો જે કુશળતાથી નિકાલ કરે છે, એ માટે આભાર માનો.

દર કલાકે જાગૃત થવા માટે એકાદ મિનીટ થોભો,શ્વાસ લો,પુનર્જોડાણ કરો, અને તમારી જીન્દગી માટે આભાર માનો.       

17.9.17

થેન્ક યુ ,જીંદગી !

થેન્ક યુ,જિંદગી !


(રચયિતા :નિમિત્ત ઓઝા )




એક કપ કોફી , 
મૂશળધાર વરસાદ , 
અને
એક ગમતો મિત્ર . . .

બીજું જોઈએ શું . . .???

એક લોંગ ડ્રાઈવ , 
એક ગમતો રસ્તો , 
અને
એક ગમતું ગીત . . .

બીજું જોઈએ શું . . .???

કોઈ નિરાંતની સાંજે , 
એક ગમતા પુસ્તકના પાનાં ઉથલાવીને , 
દુનિયાને ભૂલી જઈ શકું તો . . . 

થેન્ક યુ,જિંદગી !


એક મનગમતી સાંજે , 
 આથમતા સૂરજની સામે ઉભા રહીને ,
મારી જાતમાં કશુંક ઉગાડી શકું તો . . . 

થેન્ક યુ,જિંદગી !


એક ગમતો સાથ , 
એક મનગમતો સ્વાદ , 
અને એક સ્વાદિષ્ટ પકવાન . . .

બીજું જોઈએ શું . . . ???

વર્ષોથી સાચવેલી શ્રદ્ધા , 
 એક ગમતી પ્રાર્થના , 
અને
મંદિરમાં એક ભગવાન . . .

બીજું જોઈએ શું . . .??? 

ગમતા લોકોની હાજરીમાં , 
મારા જીવતા હોવાની ઉજવણી કરી શકું તો . . .

  થેન્ક યુ,જિંદગી !

જેને પ્રેમ કરું છું , 
એ બધા લોકોને મન ભરીને ગળે મળી શકું તો . . . 

થેન્ક યુ,જિંદગી !

એક ગમતું થિયેટર , 
હાથમાં પોપકોર્ન , 
અને
સામે ગમતો સુપર સ્ટાર . . .

બીજું જોઈએ શું . . . ???

કેટલાક ગમતા લોકો ,
 હાથમાં મીઠાઈ , 
અને
હૈયામાં ગમતો તહેવાર . . .

બીજું જોઈએ શું . . . ???

તેં આપવા જેવું બધું જ આપ્યું છે , 
અને
તેમ છતાં ન માંગવા જેવું . . .
હું બધું જ તારી પાસે માંગતો આવ્યો છું . . .

મારા શર્ટમાં રહેલા ખાલી ખિસ્સાની ફરિયાદ , 
તો મેં અનેક વાર કરી છે તને , 
પણ
એ ખિસ્સાની પાછળ રહેલા ધબકારા માટે , 
ક્યારેય આભાર નથી માન્યો તારો . . .

દૂર સુધી દોડ્યા પછી ,  
હાંફતા હાંફતા મારા જ હ્રદયના ધબકારા સાંભળી શકું તો . . . 

થેન્ક યુ,જિંદગી !!



3.9.17

મોબાઈલ ફોન છ-બાર મહિને બદલી નાંખો,
           તો જ તમે મોર્ડન !
લાઉડમાઉથઃ સૌરભ શાહ
(સંદેશ)

એક જમાનો હતો જ્યારે ઘડિયાળો બગડી જતી ત્યારે એને રિપેર કરવા માટે ઘડિયાળીને ત્યાં લઈ જતા. ચશ્માંની દાંડીનો સ્ક્રૂ નીકળી જતો તો ચશ્માંવાળાની દુકાને જતા. રેડિયો, મિક્સર, વોશિંગ મશીન, સાઉન્ડ સિસ્ટમ- કશું પણ બગડી જતું તો રિપેર કરાવવામાં આવતું અને શર્ટ, પેન્ટ કે ડ્રેસ ફાટી જતાં તો સાંધીને પહેરવામાં આવતાં. પણ એ જમાનામાં માણસના શરીરમાં કંઈ ખરાબી થતી તો એને રિપેર કરાવવા માટે કોઈ તરત ડોક્ટર પાસે દોડી જતું નહીં. હશે, મટી જશે કહીને એ દર્દ સહન કરવામાં આવતું અથવા તો કુદરતી ઉપચાર કે ઘરગથ્થુ ઉપચાર દ્વારા એનો ઈલાજ થતો. ન છૂટકે જ ડોકટરનો આશરો લેવામાં આવતો.

પણ ચાઈનીઝ માલના આજના જમાનામાં હવે ભાગ્યે જ કોઈ ચીજને રિપેર કરાવવામાં આવે છે. યુઝ એન્ડ થ્રો. આજનું નવું સૂત્ર છે. એની સામે શરીરમાં મામૂલી ખરાબી પણ થઈ હોય તો તરત ડોક્ટર પાસે પહોંચી જવાની મેન્ટાલિટી ઊભી થઈ છે : ડોન્ટ ટેક રિસ્ક. લાંબી કોઈ બીમારી થાય એ પહેલાં જ બતાવી દેવું સારું!

ફ્રીઝ અને કારનાં નવાં મોડલો બજારમાં આવે એટલે તરત જ આપણને આપણા ઘરનું ફ્રીઝ અને આપણા ઘરની ગાડી જૂનાં લાગવાં માંડે છે.મોટરકાર એકવાર ખરીદી લીધા પછી લાઈફ ટાઈમ એને ચલાવવાની હોય એવું અત્યારે કોઈ નથી માનતું. દર વર્ષે નહીં તો બે-ત્રણ વર્ષ કાર નહીં બદલીએ તો ગરીબગણાઈશું એવો ભય સતાવે. મોબાઈલ ફોન તો છ-બાર મહિને બદલી નાંખવો જ પડે, તો જ તમને જમાના સાથે તાલ મિલાવી રહ્યા છો એવી છાપ પડે અને શરદી બે દિવસમાં ના મટી કે ત્રીજા દિવસે પણ પેટ દુઃખતું રહ્યું કે ચાર દિવસ સુધી ચાલવામાં તકલીફ જણાઈ તો તરત ચાલો ડોકટર પાસે.

બેઉ બાબતો ઊંધી-ચત્તી થઈ ગઈ છે.
જેને રિપેર કર્યા વિના આરામથી ચાલતું રહે છે તે શરીરને વારંવાર હજારો રૂપિયાના ચેકઅપ દ્વારા અને લાખો રૂપિયાથી સારવાર દ્વારા રિપેરિંગ શોપ કે ગેરેજ યાને કે ડોક્ટરોના નર્સિંગ હોય કે હોસ્પિટલોમાં લઈ જવાય છે. અને જે ચીજોની ગઈ કાલ સુધી સમારકામ દ્વારા આસાનીથી આવરદા વધી જતી હતી તેને કચરાના ડબ્બામાં નાખીને નવી ચીજો પાછળ ચિક્કાર ખર્ચ કરવામાં આવે છે !

બેઉ બાબતો દેખાદેખીને કારણે બદલાઈ ગઈ છે. દેખાદેખીને અંગ્રેજીમાં રૂપાળું નામ અપાયું છે- ટ્રેન્ડ.
 ટ્રેન્ડ એટલે ગાડરિયો પ્રવાહ. એમાં ભળી જવા માટે ઝાઝી અક્કલની જરૂર રહેતી નથી. ટ્રેન્ડ બદલાયા કરતો હોય છે અને મોટાભાગના ટ્રેન્ડ મેન્યુફેકચરર્સની સાઝિશથી બદલાતા હોય છે. તંગ પાટલૂન, પહોળી મોરીનાં પાટલૂન, ફરી પાછા તંગ પાટલૂન, આવાં તો કરોડો દાખલાઓ ફેશનની દુનિયામાં મોજૂદ છે. પોતાનો માલ વેચાતો રહે એ માટે ફેશનના ટ્રેન્ડ બદલાવવામાં આવે છે. કેમેરા, ફોન, સાઉન્ડ સિસ્ટમ, ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન વગેરે જેવી વસ્તુઓમાં ડ્રાસ્ટિક ચેન્જ તો પાંચ-દસ વર્ષે જ આવતો હોય છે પણ એની વચ્ચેના ગાળામાં કંઈ તે કંઈ ગતકડાંના ઉમેરા-બાદબાકી કરીને નવાં-નવાં મોડલોના નામે બજાર ઊભરાતું રહે છે અને તમારા ખિસ્સાં ખાલી થતાં રહે છે.
 લોકો જે કરતા હોય એવું આપણે પણ કરવું એવી માનસિકતા સાથે જીવવામાં આપણને સલામતી લાગતી હોય છે. ગાડરિયા પ્રવાહમાં ભળી જવાથી આપણા માથેથી જવાબદારી હટી જતી હોય છે. કંઈક ખોટું થયું તો તરત મન જવાબ આપે છેઃ બધા એવું જ કરે છે, એમાં મારા એકલાનો થોડો વાંક છે?
 ગાડરિયા પ્રવાહમાં કે ટ્રેન્ડમાં ઘસડાઈ જવાથી બીજો મોટો ફાયદો એ કે સ્વતંત્રપણે વિચાર કરવાની મહેનત બચી જાય. આવું કરવું સાચું કે ખોટું અથવા સારું કે ખરાબ એવો નિર્ણય લેવાની શક્તિ બચી જાય. બધા જે કરતા હોય તે કરવા માંડો એટલે સાચા-ખોટા કે સારા-ખરાબના સવાલોનો જવાબ મેળવવાની માથાકૂટમાંથી મુક્તિ મળી જાય.
 બધાએ સંતાનોને પ્લે ગ્રૂપમાં નાખ્યા એટલે આપણે પણ નાખવાના. દસમા-બારમાની પરીક્ષાઓમાં ચાબૂક મારી મારીને ભણાવ્યા એટલે આપણે પણ ભણાવવાના. સંતાનને શું ભણવું છે એ પૂછયા વિના આજકાલ શેનો ટ્રેન્ડ ચાલે છે તે લાઈનમાં એમને ધકેલવાના. સંતાન પોતે પણ સ્વતંત્ર રીતે વિચારવાની શક્તિ ગુમાવી બેઠું હોય છે એટલે એ પણ પોતાના મિત્રવર્તુળમાં કોણ કયા ટ્રેન્ડ પાછળ ઘસડાય છે એ જોઈને તેનાં સપનાં જોતું થઈ જાય.

પછી બધાં પરણે છે એટલે આપણે પણ પરણવાનું,
બધાં બાળકો પેદા કરે એટલે આપણે પણ પેદા કરવાનાં,
બધા ઈન્શ્યોરન્સ પોલિસી કઢાવે, મેડિક્લેમ કઢાવે એટલે આપણે પણ કઢાવીએ
અને નિવૃત્ત થયા પછી બધા રોજ સવારે બગીચામાં ભેગા થઈને રામાનંદ સાગરની રામાયણમાં આવતા રાવણ ની જેમ અટ્ટહાસ્ય કરે તે રીતે આપણે પણ લાફિંગ કલબના બીજા બુઢિયાઓ સાથે મળીને હા,હા,હા,હા,…કરવાનું. અને છેવટે આયુષ્ય પૂરું કરીને ચિતાભેગા થવાનું.
 આવતી કાલથી- કાલથી શું કામ, આજથી, અબઘડીથી-
હું નિર્ણય કરું છું કે હું જે-જે વસ્તુઓ વાપરું છું તે બગડી જશે તો એનું સમારકામ કરાવી-કરાવીને છેવટ સુધી વાપર્યા કરીશ, નવાં-નવાં મોડેલોની માયાજાળમાં નહીં ગૂંચવાઈ જઉં. અને હા, આ શરીરને વારંવાર રિપેર કરાવવાની લાલચમાંથી પણ દૂર થઈ જઈશ. સાવ કંઈ અટકી પડતું હશે તો જ આ શરીરને ગેરેજમાં લઈ જઈશ.
માણસ શું વાપરે છે કે શું ખાય-પીએ છે એનાથી નહીં પણ કેવા વિચારો ધરાવે છે અને એને વ્યવહારમાં અમલમાં મૂકીને કેવી રીતે વર્તે છે એના આધારે નક્કી થતું હોય છે કે એ જૂનવાણી છે કે સમયની સાથે ચાલે છે, આધુનિક વિચારો ધરાવે છે.મારી માનસિકતા જ મને આધુનિક કે જૂનવાણી બનાવશે, મારી માનસિકતા પ્રમાણે ગોઠવાયેલું મારું જીવન અને વર્તન જ મને કહેશે કે હું નવા જમાના સાથે કદમ મિલાવીને ચાલું છું કે નહીં. મારું ફાટેલું જિન્સ કે મારો મોબાઈલ આનું સર્ટિફિકેટ નહીં બને.

17.8.17

નૈયા પાર કરા દે, ભૈયા...! (અશોક દવે- બુધવારની બપોરે )



નૈયા પાર કરા દે, ભૈયા... !
(અશોક દવે)


ઘણા યુવાન-યુવતીઓને વૃધ્ધોને રસ્તો ક્રૉસ કરાવવાનો બહુ ડોડળીયો (શોખ) હોય છે. રસ્તા ઉપર કોઇ વડીલને જોયા નથી ને એમનો ઉમંગ ફાટફાટ થતો નથી. ઘણીવાર તો કાકાની ઇચ્છા હોય કે ન હોય , એમને સામે પાર જવું હોય કે ન જવું હોય , એ જાતે જઇ શકે એમ હોય કે ન હોય... આ લોકોનો ઉત્સાહ છલકાઇ જાય છે ને , ' આવો વડીલ... હું તમને સામે પાર પહોંચાડું. ' તરવરાટ એવો હોય જાણે ડોહાને રસ્તો નહિ , દુનિયા પાર કરાવવાની હોય!

પણ કહે છે ને કે , ચોક્કસ હેતુ કે ઇરાદા વગરની તમામ સેવાઓ રદબાતલ થવાને પાત્ર હોય છે. કોઇ વૃધ્ધ-વડીલને રસ્તો ક્રૉસ કરાવવો, એમાં પૂણ્ય તો ત્યારે મળે જો આપણું ઓળખીતું કોઇ જોનારૂં હોય. એમને એમ કોઇ વડીલને રોડ ઉપર વેડફી નાંખવાના ન હોય! રસ્તો ક્રૉસ કરાવી લીધા પછી ખ્યાલ આવે કે , કોઇએ તમને આ સેવાકાર્ય કરતા જોયા જ નથી , તો કાકાને ફરી મૂળ સ્થાને લાવીને ફરી રસ્તો ક્રૉસ કરાવવો જોઈએ. આવી સેવા કરતા તમને તમારા કોક ઓળખીતાએ જોયા હોવાનું નિહાયત જરૂરી છે. જોનારા ઉપર છાપ પડવી જોઇએ કે , વૃધ્ધો માટે તમને કેવી કાળજી છે!

બની શકે તો એ ખ્યાલ પણ રાખવો જોઇએ કે , જેને રસ્તો ક્રૉસ કરાવી રહ્યા છીએ , એ ડોહો કામનો માણસ છે કે નહિ! કોઇ મરવા પડેલા ગરીબને ભવસાગર પાર કરાવવા માટે તો ઉપર શામળીયો બેઠો છે. આપણે તો એ જોઇ લેવું જોઇએ કે , કાકો કેટલા કરોડનો આસામી છે, એના દીકરાઓનો ધંધોધાપો આપણને કામમાં આવે એવો છે કે નહિ અને ઉંમર હજી તંદુરસ્ત હોય તો એ ય જોઇ લેવું જોઇએ કે , ડોહાની દીકરી... આઇ મીન , આ તો એક વાત થાય છે!

અલબત્ત , રસ્તો પાર કરાવ્યા પછી અત્યંત વિવેકપૂર્વક કાકાને પૂછવું જોઇએ (એ હા પાડે એવી રીતે) કે , ' કાકા , ઘેર મૂકી જઉં... અહીં ખાડા-ટેકરા બહુ છે! ' અંકલને ખબર પડવી ન જોઇએ કે , મોટો ખાડો તો તું છે!
વડીલોને રસ્તો પાર કરાવવાના કેટલાક નિયમો છે.


તમારા બંનેની સરખામણીમાં વૃધ્ધ એ લાગવા જોઈએ, તમે નહિ. 


બીજું , હાથ પકડયા પછી ખેંચાખેંચી નહિ કરવાની. સાયકલની પાછળ કપડું ઘસડાતું આવે,એવી હાલત કાકાની થવી ન જોઇએ. કોમળ અને મૃદુ હાથે એમનો હાથ પકડીને લઇ જવાના હોય , સ્મશાને લઇ જવાના હોય એવા જોશોજૂનુનથી નનામીનો દાંડો પકડયો હોય એવો કચ્ચીને એમનો હાથ ન પકડાય! 


ત્રીજું , રસ્તો ક્રોસ કરાવતી વખતે, ન કરે નારાયણ ને અચાનક કોઇ વાહન પૂરપેટ આવી ગયું, તો ડોહાને આગળ ધરી દેવાય... આપણો જાન જોખમમાં મૂકવાની જરૂર નથી. આપણે હજી બીજા કાકાઓને રસ્તા પાર કરાવવાના છે! ખુદ આપણે હજી ડોહા થવાનું બાકી છે. સુઉં કિયો છો?


અને છેલ્લું... સામે પાર પહોંચ્યા પછી કાકાને તમારૂં બિઝનૅસ-કાર્ડ ખાસ આપી દેવાનું ને એમનું હોય, તો લઇ લેવાનું. એ પૂછે કે , શું કામધંધો કરો છો ? તો કહી દેવાનું , બસ... આ જ! '

આશીર્વાદ તો મળવાના જ છે , જો કાકા સંસ્કારી હશે તો કે , ' ભાઇ , તેં મને રસ્તો પાર કરાવ્યો... પ્રભુ તને દુનિયા પાર કરાવે ! આજે તેં મને ઉચક્યો , કાલે પ્રભુ તને ઉચકી લે...! '

' રામાયણ ' ભણ્યા હો તો ભગવાન શ્રીરામને કેવટ હોડીમાં બેસાડીને ગંગા પાર કરાવે છે , એના બદલામાં કેવટીયો પ્રભુ પાસે હોડીનું ભાડું ઉબેર-ઓલાથી ય વધારે માંગી લે છે , હું તમને ગંગાપાર કરાવું... તમે મને ભવસાગર પાર કરાવો '.... ધંધામાં કોઇની બી શરમ ન રખાય! તમે સમજ્યા ? મફતમાં તો ભગવાનોને ય રસ્તા પાર ન કરાવાય. હવે કોઇ પંખો ચાલુ કરો!

હજી આ કળા ઇન્ડિયામાં પૂરેપૂરી ફૂલીફાલી ન હોવાથી કેટલાક શીખાઉ યુવાનોનો રસ્તો ક્રૉસ કરાવવામાં પૂરો પગ બેઠો હોતો નથી અને પ્રારંભ ઘરડાઓને બદલે સ્કૂલે જતા બાળકોથી કરે છે. મોટે ભાગે, એમની સુંદર મમ્મી પાછળ આવતી જ હોય, એટલે આ યુવાનોની ગણત્રી સાવ ખોટી નથી. બાળકને ક્રૉસ કરાવીને આપણે મૂળ સ્થળે પાછા આવવાનું હોય છે, જેથી અદ્ભુત સ્માઇલ આપીને એની મૉમ ' થૅન્ક્સ ' કહે.

મિત્રો , આવા ' થૅન્ક્સ ' થી તમારે બચવાનું છે.

પેલાની મૉમે તમને થૅન્ક્સ કીધું એટલે સમજી જજો કે , છોકરાઓને આવા રસ્તા તો ઘરઘાટીઓ કે સ્કૂલ-રીક્ષાવાળાઓ ય પાર કરાવી આપે છે ને આવા મધુરા ' થૅન્ક્સો ' એમની મમ્મીઓ ધૂળજી-બૂળજી સમજીને આપતી હોય છે! અમે એક વાર આવી ભૂલ કરેલી અને ઘણા નમ્ર સ્માઇલ સાથે ' થૅન્ક્સ ' સામે ' થૅન્ક્સ ' કીધું હતું. એના જવાબમાં પેલીએ કોઇ રાણીસાહેબાની અદાથી અમને પૂછી જોયું હતું , ' બે કામના કેટલા લઇશ... ખાલી કપડાં અને વાસણ જ છે! '

એક જમાનો હતો , જ્યારે જુવાન અને સુંદર યુવતીઓ પણ રસ્તા ક્રૉસ કરતી. એ પહેલા જોઇ પણ લેતી કે , એને રસ્તો ક્રૉસ કરાવે એવો કોઇ હૅન્ડસમ યુવાન આજુબાજુમાં દેખાય છે ? એ તો અમે હૅન્ડસમ હતા , એટલે અમને તો આવું બધું યાદ હોય !!! રોજની સરેરાશ ત્રીસેક યુવતીઓને અમે મારગડો પાર કરાવતા. કોઇવાર ત્રીસને બદલે બત્રીસ પણ થઇ જાય. (આ સંખ્યાને યુવતીઓના ધાડાંમાં ન ગણવી... સ્પષ્ટતા પૂરી) મુખ્ય હૉબીના ફૉર્મમાં ' રસ્તો ક્રૉસ કરાવવો ' લખ્યું , એનાથી અમારા પ્રિન્સિપાલ ઘણા પ્રભાવિત થયા હતા.

પણ એ જમાના આજે ક્યાં ? આજે તો પહેલા જેવી સુંદર યુવતીઓ ય નથી થતી. અમારા જમાનામાં યુવતી એકલી રસ્તો કદી ક્રૉસ ન કરે. અમારા જેવું કોક ઊભું હોય , એને રીક્વૅસ્ટીયું સ્માઇલ આપીને સાથે ક્રૉસ કરે. ઘણી મૃદુતાથી અમારા હાથો પકડવામાં આવતા. કેવી નાજુક ચાલથી એ રસ્તો ક્રૉસ કરતી. અમારૂં ધ્યાન આવતા-જતા ટ્રાફિકમાં ન હોય.પેલીએ પકડેલા અમારા એક હાથમાં ઉપડતી ઝણઝણાટીઓમાં હોય. હાથ પકડયો હોય ત્યાં સુધી પૂરા તનબદનમાં રીતસરની ખાલી ચઢી જતી. ખોટું નહિ કહું , પણ હંગામી હસ્તમેળાપ જેવું-જેવું લાગતું. આજુબાજુ બસ , રીક્ષા કે સ્કૂટરોને બદલે ગોર મહારાજ , સાજન-મહાજન અને લગ્ન નિમિત્તે નવા શૂટો સિવડાવી લાવેલા પેલીના ભાઇઓ દેખાય. એ મરમરી હાથોની કસક હજી ય યાદ છે... પણ રસ્તો પાર કરાવી લીધા પછી મ્યુનિસિપાલિટીવાળાઓ ઉપર ગુસ્સો આવે કે, ઝટ આવી જાય એવી સામી ફૂટપાથો શું કામ બનાવતા હશે ? રસ્તાઓ તો કેવા પહોળા બનાવવા જોઈએ કે ફૂટપાથ આવે જ નહિ !


વળી , અમારા વખતમાં કમ્પિટિશનો બહુ , એટલે કે હરિફાઇઓ બહુ. રસ્તો એક છોકરી ક્રૉસ કરવા માંગતી હોય ત્યારે અમે બધા તો ઠીક , દુકાનદારો ધંધા છોડીને એને રસ્તો પાર કરાવવા ઉતરી આવે! હવે જો કે , એવી છોકરીઓ ય ક્યાં થાય છે , હવે એવા મરમરી હાથો ક્યાં અડાય છે... ? હવે તો મજૂરે હાથમાં ત્રિકમ-કોદાળી પકડી હોય એવો તો પેલીનો હાથ હોય! આપણે બંધ પડેલું સ્કૂટર ઘસડીને લઇ જતા હોઇએ , એવો સીન લાગે.

યસ. હવે આપણે સ્ટોરીની બીજી બાજુમાં આવી ગયા કહેવાઇએ. સમજો ને , હવે ડિમ્પલ કાપડીયા કે કૅટરીના કૈફોને રસ્તો ક્રૉસ કરાવવાના જમાના તો ગયા. હવે તો આપણને રસ્તા ક્રૉસ કરાવવાના દહાડા શરૂ થયા. મુસીબત એટલી છે કે, પ્રજામાં હજી દોઢડાહ્યાઓ મળી જ રહે છે. ' આવો કાકા...તમને બહુ નહિ દેખાતું હોય... હું તમને રસ્તો પાર કરાવું. ' આવી ઑફરો પાછી યુવાન સ્ત્રીઓ નથી કરતી.
ગધેડા જેવા દેખાતા યુવાનો કરે છે...ના પાડીએ તો ય! કેમ જાણે આપણે ગૂગલ-મૅપ જોઇને રસ્તો ક્રૉસ નહિ કરી શક્તા હોઈએ! એ વાત જુદી છે કે , એવો મૅપ વાપરવામાં ગૂગલ કંઇક વધારે પડતો શૉર્ટ-કટ બતાવે છે, જે સીધો ઑર્થોપેડિક હૉસ્પિટલમાં જતો હોય છે..!








16.8.17

પરાણે પુણ્ય કરવાનું પુણ્ય(હસ તું હરદમ - દિલીપ રાવલ)





પરાણે પુણ્ય કરવાનું પુણ્ય
હસ તું હરદમ - દિલીપ રાવલ


સવારના ચાર વાગ્યામાં 'મહેન્દ્ર કપૂર'ના અવાજમાં ગીત સંભળાયું. 'ઓ શંકર મેરે, કબ હોંગે દર્શન તેરે...' ક તો પ્રાત:કાળની નીરવ શાંતિ અને મહેન્દ્ર કપૂર સાહેબનો બુલંદ અવાજ, તમારી નીંદરને બાય બાય કહેવા માટે કાફી હતું. થોડી વાર વાગીને ગીત બંધ થઈ ગયું. એટલે મેં પાછું ઓશીકું માથે દાબ્યું ને 'બાય બાય' કહીને ઝાંપા સુધી જતી રહેલી નીંદરને પાછી બોલાવવાનો પ્રયત્ન કર્યો. એ આવી પણ ખરી ને માંડ 'આંખડી ઘેરાણી' ત્યાં તો

'શિવજી બિહાને ચલે પાલકી સજાય કે... ભભૂતી લગાય કે હાય...' ગાજ્યું ! ભલે  હેમંતકુમારનો મૃદુ સ્વર હતો, પણ સવાર સવારમાં તો એ ય કાનમાં વાગ્યો જ. અને પેલી નીંદર !   'હવે નહિ બોલાવતો હં...' કહીને આજના દિવસ પૂરતી ફાઈનલ એક્ઝિટ કરી ગઈ.

'શિવજી બિહાને ચલે પાલકી સજાય કે...' થોડી વાર રહીને પાછું શરૂ થયું અને ખબર પડી કે આ તો પન્નાના મોબાઈલનો રિંગટોન છે.
ભ્રષ્ટ નેતાઓ જેટલી સરળતાથી અને ઝડપથી પક્ષ અને પાટલી બદલે એટલી સરળતાથી અને ઝડપથી અમારી  પન્ના પોતાના રિંગટોન બદલ્યા કરે છે ! જન્માષ્ટમીને દિવસે આખો દિવસ એના મોબાઈલની આ રિંગ વાગતી રહી : 'ઓ ક્રિષ્ના, યુ આર ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન ઑફ ધિસ વર્લ્ડ. બાંસુરી સે તુને પ્રેમ સંદેશા દિયા હૈ મોહના...'
કૃષ્ણ ભગવાન પરનાં આટઆટલાં સરસ ગીતો છોડીને આવા વાહિયાત ગીત પર પસંદગી  !

બોળચોથને દિવસે તો 'ગાય હમારી મૈયા હે... બૈલજી ઉનકે સૈંયા હૈ...' આવું ભોજપુરી ગીત ક્યાંકથી શોધી લાવી અને આખો દિવસ એટલું વગાડ્યું કે રોટલો ને મગ ગળેથી નીચે જ ના ઊતર્યાં ! નાગપાંચમને દિવસે કુલેર ચોળી ચોળીને કુલેરવાળા હાથે મોબાઈલમાં આંગળી કરતી જાય ને ગીત શોધતી જાય. છેવટે એને નાગપાંચમને એનહાંસ કરનારું ગીત મળ્યું.
'તૂ ક્યા બીન બજાયેગા, મૈં તેરી બજાઉંગી પુંગી
મૈં નાગીન હૂં, બદલા લુંગી... બદલા લુંગી... બદલા લુંગી...!'

મેં એને કહ્યું કે આ કોલર-ટ્યુન અને રિંગટોન વાતે વાતે બદલવાનો શું મતલબ છે? તો મને કહે

'જીસ દિન જીસ કા માતમ હોતા હૈ... (એ માહાત્મ્ય કહેવા માંગે છે) ઉસ દિન ઉસ કા નામ સુમીરન કાન મેં પડે તો ભગવાન કો અચ્છા લગતા હૈ. પુણ્ય કે ખાતે મેં આપ કી ક્રેડિટ બઢતી હૈ બાબુ.'

તો આવી પરાણે પુણ્ય કરાવનારી પન્નાએ મને સવાર સવારમાં એના જુદા જુદા બે મોબાઈલમાં રાખેલા શંકરદાદાનાં બે ફિલ્મી ગીતથી ઉઠાડ્યો. નવરાવી ધોવરાવીને... તૈયાર કરીને ચા-કોફી પીધા વગર અમારા એરિયાના 'મુક્તેશ્ર્વર મહાદેવના મંદિરે' મહાદેવને જળ ચડાવવા એ મને
લઈ ગઈ. 'જલ્દી પહોંચેંગે તો ગીરદી કમ મિલેગી...' એવું એનું લોજિક. નીચે સોસાયટીના પ્રાંગણમાં આવીને છઠ્ઠા માળે રહેતાં સમુદ્રામાસીને છેક નીચેથી સવારના સાડાચાર વાગ્યામાં પન્ના બૂમ પાડવા માંડી:   'સમુદ્રા... મૌ...સી...ઓ સમુદ્રા મૌસી....' મેં એને અટકાવવાની કોશિશ કરી,  'પન્ના, શું સવાર સવારમાં બૂમાબૂમ કરે છે? ઈન્ટરકોમ કર... ફોન કર... આવી રીતે કંઈ બૂમ પાડીને બોલાવાય?'

પન્ના ઉવાચ... 'ટેક્નોલોજી કે જમાને મેં હમ અપની સંસ્કૃતિ ઔર અપની પરંપરા વિસરતે જાતે હૈં બાબુ... હમ પહેલે કે જમાને મેં ઐસે હી અપને દોસ્તો કો બુલાયા કરતે થે ના...?' મેરી કોશિશ હૈ મૈં ઈસ મરતી પરંપરા કો, અપને કલ્ચર કો બચાઉં.' હવે બૂમ પાડીને તમે કોઈને છ્ઠ્ઠા માળેથી નીચે બોલાવો આમાં કયું કલ્ચર આવ્યું એ સમજાય એ પહેલાં તો પન્નાએ  બીજી બૂમ પાડી. 'સરોવર... મૌ સા...જી... ચલો જલ્દી... વરના મંદિર મેં ભીડ બઢ જાયેગી...'

સમુદ્રામાસીની બારી ખૂલે એ પહેલાં તો હર્ષદભાઈ હાથીની બારી ખૂલી, ને અંધારામાં કશું દેખાયું નહિ એટલે એટલી જ જોરથી બૂમ પાડીને બોલ્યા. 'વોચમેન, સોસાયટી મેં સે ભીખારન કો બહાર નિકાલો...!!!'

ત્યાં સમુદ્રામાસી બારીએ ડોકાયાં. 'પન્ના ઊભા રહો... આતી હૂં... તમેરે મૌસા હાજતે ગયે હૈં ઔર મુજે જો ચાંદલા કરને કા હૈ વો ટોઈલેટ કી દીવાલ પે ચોંટાડ્યા હૈ. હમેરે વોહ નિકલેંગે તભી તો ચાંદલા ચોડ પાઉંગી.'

'ઠીક હૈ... આઓ મૌસી.' હમ ઈન્તઝાર કરેંગે તેરા કરામત તક (કયામત) ખુદા કરે કે કરામત હો ઔર તૂ આયે... રોશનસાહેબની આ અદ્ભુત તરજની વાટ લગાડીને પન્ના સોસાયટીની ટાંકી પર બેસી ગઈ. ને મને પણ બેસડવાનો ઈશારો કર્યો. હું બેઠો અને એણે મને ઈશારો કર્યો. 'વક્ત ગંવાતે નહિ હૈ... મૌસી-મૌસા આતે હૈં તબ તક મહાદેવજી કી ધૂન ગાતે હૈ...' હું
કંઈક બોલવા જાઉં એ પહેલા તો એ તાળીઓ પાડતી શરૂ થઈ ગઈ. 'ઓમ નમ: શિવાય... ઓમ નમ: શિવાય... ઓમ નમ: શિવાય... ઓમ નમ: શિવાય...' પાછી મને ઈશારો કર્યો કે તમે પણ સાથે જોડાઓ. હું તો શરમ નો માર્યો ખાલી હોઠ ફફડાવતો  રહ્યો,  પણ  એની આ ધૂનથી આખી સોસાયટીની બારીઓમાં લાઈટ થઈ ગઈ !

ત્યાં તો પેલો ટોઈલેટમાં ચોંટાડેલો ચાંદલો પાછો પોતાના મસ્તિષ્ક પર ચોંટાડીને સમુદ્રામાસી ને સરોવરમાસા આવી ગયા.  જેમ જેમ અમે ચારેય  'ઓમ નમ: શિવાય...' 'ઓમ નમ: સિવાય' ગાતાં ગાતાં પ્રભાત ફેરીની જેમ 'મુક્તેશ્ર્વર મહાદેવ' તરફ પ્રયાણ કરવા લાગ્યા તેમ તેમ  રસ્તામાં આવતી દરેક સોસાયટીની બારીઓની લાઈટ થવા માંડી !

લોકોની ઊંઘ બગાડીને કયું પુણ્ય એકઠું કરવું છે આ બાઈને
એ જ મને તો સમજાતું નહોતું, ત્યાં અચાનક એક બંગલા પાસે સમુદ્રામાસી અટક્યા અને સરોવરમાસાને વાડ ઠેકીને અંદર ઊગેલા બીલીના ઝાડમાંથી એકસો આઠ બીલીપત્ર તોડી આવવાની વરદી આપી ! 'હા-ના હા-ના' કરતા સરોવરમાસા એ આખરે હુકમ ને તાબે થવું જ પડ્યું. પણ વાડ ઠેકવા જતાં ક વિચિત્ર બોદા અવાજ સાથે  'ઓલી પાર' પડ્યા. થોડી જ વારમાં જોરથી બે જુદા જુદા અવાજમાં 'વઉ વઉ વઉ ' ટાઈપનો તીણો... અને 'ભઉ ભઉ ભઉ' ટાઈપનો ઘોઘરો કૂતરાઓનો અવાજ આવવા લાગ્યો , અને અમારા શરીરમાંથી ભય નું લખલખું પસાર થઈ ગયું....આ 'ભઉ ભઉ' અને 'વઉ વઉ' ની વચ્ચે 'ઓ બાપ રે... અરે કોઇ બચાવો ... અરે જવા દો બાપલા...' ટાઈપનો જે ત્રીજો અવાજ હતો એ સરોવરમાસાનો હતો !!!

માંડ બહાર કૂદીને આવેલા સરોવર માસાના વિખરાયેલા વાળ, કોણીએથી નીકળતું લોહી અને પૃષ્ઠ ભાગેથી ફાટેલું પેંટ જોઈને '
દિલસોજી... એંકઝાઈટી... હસવું... ' જેવા મિશ્ર ભાવો મને ઘેરી વળ્યા. પણ માસાના દીદાર પણ પળ વાર પણ ધ્યાન આપ્યા વગર પન્ના અને સમુદ્રામાસીએ એમના હાથમાંથી બીલીપત્રની થેલી ઝૂંટવી લીધી, અને   બીલીપત્ર ગણવા માંડ્યા. થોડી વારમાં જ ગણાઈ રહ્યા એટલે માસી બરાડ્યા,

'અરે આ તો નેવું જ છે.' 'બીજા અઢાર જોઈશે... જાઓ લઈ આવો !!!'











3.6.17

સૌરભ શાહ : મારી ટેલેન્ટ કયા ક્ષેત્રમાં છે એ જ્ઞાન સૌથી વધુ મૂલ્યવાન છે



પંખો, રેડિયો અને મર્સીડીસ
સૌરભ શાહ

બદામ જો દોઢ રૂપિયે કિલો વેચાતી હોત તો તમે રોજની કેટલી ખાતા હોત?
બ્રાન્ડ ન્યુ અને લેટેસ્ટ મર્સીડીસ પચાસ હજાર રૂપિયામાં મળતી હોત તો એનું કેટલું આકર્ષણ હોત તમને?
કપડાં, મેકઅપ, શૂઝ અને એસેસરીઝની ટૉપમોસ્ટ બ્રાન્ડસ તમારા ઘરની કામવાળીને પણ પોસાઈ શકે એવી પ્રાઈસ રેન્જમાં વેચાતી હોત,
તો તમે એ બધાની પાછળ ઘેલાં ઘેલાં થઈ જતાં હોત ?
ફાઈવ સ્ટાર હૉટેલોને ટક્કર મારે એવી સગવડો ધરાવતા ઈન્ટિરિયર ડેકોરેશન પાછળ બે કરોડ રૂપિયા ખર્ચવાને બદલે વીસ હજારમાં પતી જતું હોત, તો તમે એનાં સપનાં જોતા હોત?

જે દુર્લભ, અશક્યવત્ છે તમારા માટે, એનાં સપનાં જોવામાં;
જે શક્ય છે તેને
તાગવાનું તમે ભૂલી જાઓ છો.

આજે તમારા ઘરમાં પંખો છે એનું તમને અભિમાન છે?
ઘરમાં કેટલા પંખા છે એની પણ ગણતરી નહીં હોય.
એક જમાનામાં પંખો લકઝરી ગણાતી. પૂછી જો જો તમારા દાદાને.
એક જમાનામાં રેડિયો મોટી લકઝરી આયટમ ગણાતો. ગામમાં બહુ બહુ તો એક શ્રીમંતના ઘરે હોય.
આજે પટાવાળો પણ ઈયરફોન ખોસીને એફએમ ચેનલ સાંભળતો થઈ ગયો છે !
પંખો અને રેડિયોની જેમ બદામ, મર્સીડીસ વગેરે પણ ઘેરઘેર જોવા મળે તો તમને એનું આકર્ષણ રહે?

મારી પાસે જે છે એનું મને મૂલ્ય નથી એટલે મારે બીજાની પાસે જે દેખાય છે તેની પાછળ દોડવું પડે છે.
આજની તારીખે ઘડીભર હું માની લઉં કે મારી પાસે જેમ પંખો-રેડિયો છે, એમ મર્સીડીસ વગેરે પણ છે.
મારે હવે એ બધાની જરૂર નથી.
બે કરોડ રૂપિયાના ઇન્ટિરિયરવાળું ઘર પણ છે.
તો હવે હું શેની ઈચ્છા રાખું?
હવે હું કોની પાછળ ભાગું?

આ સવાલોનો જવાબ મળશે કે તરત જ જીવનનો હેતુ શું છે એનો ઉત્તર મળી જશે !
પછી મારે આ સવાલનો જવાબ મેળવવા આશ્રમોમાં, પ્રવચનોમાં, ધર્મગ્રંથોમાં ભટકવું નહીં પડે.

જિંદગીનો મકસદ ઘરમાં રેડિયો કે પંખો વસાવવાનો નહોતો
અને જિંદગીનો મકસદ મર્સીડીસ વસાવવાનો, બે કરોડનું ઈન્ટિરિયર કરાવવાનો પણ નથી.

બે ટંક જમવાનું મળે અને ટાઢ-તડકાથી બચવા માટે એક છાપરું મળી જાય એ પછી પણ
જો હું વધારે ને વધારે સારા છાપરા માટે,
વધારે ને વધારે મોંઘા ભોજન-કપડાં માટે તપસ્યા કરતો હોઉં તો મારું જીવન એળે ગયું.
આટલું મળ્યા પછી હું હજુય એ જ બધું મેળવવા માટે મહેનત કર્યા કરતો હોઉં તો મારા જીવનનું મૂલ્ય હજુ હું સમજ્યો નથી.

આ જિંદગી મને ફરી વાર મળવાની નથી એ જાણવા છતાં,
મારે પંખો-રેડિયો-મર્સીડીસના ચક્કરમાં રહેવું હોય તો ભગવાન બચાવે મને !

જિંદગીની લંબાઈ-પહોળાઈ અને એનું ઊંડાણ, એની ઊંચાઈ તાગવા માટે મર્સીડીસની, કે બે કરોડ રૂપિયાના ઈન્ટિરિયર ડેકોરેશનવાળા ઘરની જરૂર નથી. આંખ-કાન ખુલ્લાં રાખ્યા હશે તો સમજાશે કે આ જિંદગીનો વ્યાપ કેટલો છે ને મેં મારા સંકુચિત વિચારોને લીધે આ દુનિયાને કેટલી સીમિત કરી નાખી છે.

મારો સમય અને મારી શક્તિ મર્સીડીસ ખરીદવામાં વેડફી નાખવા માટે નથી.
જેમની પાસે આ બધું છે એમને એ મુબારક.
મારે એમની દેખાદેખી કરીને મારી ચાલ બદલી નાખવાની નથી.
મારે સમજવાનું છે કે આ દુનિયામાં જે કંઈ સુખ સુવિધાઓ છે તે બધી જ બધા માટે બની નથી.
એને મેળવવાનાં સપનાં બધાએ જોવાનાં ન હોય.
એવા ફાંફાં મારવામાં જિંદગી ક્યાં પૂરી થઈ જશે ખબર પણ નહીં પડે.
કુદરતની ગોઠવણ મુજબ મારી પાસે આ બધું નહીં હોય તો બીજું ઘણું મેળવવાની પાત્રતા એણે મને આપી હશે !
મારે એ પાત્રતા પ્રમાણે ખોજ કરવાની છે કે હું શું શું મેળવી શકું છું, જે મર્સીડીસ જેટલું જ....કે એથીય અધિક મૂલ્યવાન હોય !

રવીન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ ગઈ કાલે જ ગઈ. 7મી મે. એ નિમિત્તે લખેલા એક લેખમાં મેં ગુરુદેવની આ વાત ટાંકી હતી :
પોતાને કઈ ચીજમાં ખરેખરી આવડત છે તેનું જ્ઞાન ઘણાને આખીય જિંદગીમાં કદી થતું નથી.
બીજા કેટલાકને પોતાની બક્ષિસનું જ્ઞાન ઘણી મોટી ઉંમરે થાય છે.
પણ નાની વયે તેનું જ્ઞાન થઇ જવું તે મોટું અહોભાગ્ય છે.
જેમાં આપણને બક્ષિસ હોય તેમાં આપણી બધી શક્તિ રેડી તેનો આપણે 
વિકાસ  કરવો જોઈએ.

દરેક વ્યક્તિને વહેલો કે મોડો આ અહેસાસ થતો જ હોય છે કે પોતાને કઈ ચીજમાં ખરેખરી આવડત છે. આંખ-કાન ખુલ્લાં રાખ્યાં હશે તો ટીનએજમાં જ આ અહેસાસ થઈ જાય.
ધારો કે તે વખતે પેરન્ટસ કે પ્રેશરના શોરબકોરમાં આ અવાજ દબાઈ જાય તો અર્લી ટ્વેન્ટીઝમાં તો આ અહેસાસ
થઈ જ જાય.
કોઈ વખત સંજોગો આગળ ઝૂકી જવું પડ્યું હોય તો દસેક વર્ષ મોડો અહેસાસ થાય.

પણ આવો અહેસાસ થયા પછી આપણે આપણી જાત સાથે કબૂલ કરતાં અચકાઈએ છીએ કે અત્યારે જે કામ કરીએ છીએ તેમાં નહીં પણ બીજી કોઈ ચીજમાં ખરેખરી આવડત છે, કારણ કે આવી કબૂલાત આપણને બીજાઓ આગળ આપણે અત્યાર સુધી ખોટા હતા, ખોટી દિશામાં દોડ્યા એવી ભોંઠપભરી પરિસ્થિતિમાં મૂકાવે છે.
એવી પરિસ્થિતિમાં મૂકાવું પડતું હોય તો ભલે. જાગ્યા ત્યારથી સવાર.
પાંત્રીસ કે પિસ્તાળીસ વર્ષે પણ બેન્કની નોકરીને બદલે વાંસળી વગાડવામાં ખરેખરી આવડત છે, એવું લાગે તો ફંટાઈ જવું. કોઈ વાંધો નહીં. પછી એમાં જીવ રેડી દેવો, અને એ ક્ષેત્રમાં આગળ વધવું.

અઢાર વર્ષની ઉંમરે મને ખબર નહોતી કે મારા ભવિષ્યમાં મર્સીડીસ છે કે નહીં, બે કરોડ રૂપિયાના ઈન્ટિરિયરવાળું ઘર છે કે નહીં.
આજે પણ ખબર નથી.
તે વખતે પણ મને એની કંઈ પડી નહોતી.
ને આજેય નથી પડી.

પણ તે વખતે એટલી જરૂર ખબર હતી કે મારી આવડત કઈ ચીજમાં છે.
એ બક્ષિસ જે મને મળી છે તેમાં મારી બધી શક્તિ રેડીને એનો વિકાસ મેં એકનિષ્ઠાએ કર્યો
અને એને લીધે જીવનમાં એક પછી એક બધું જ મળતું ગયું.
રવીન્દ્રનાથે ટાગોર પણ એટલે જ મળ્યા અને આત્મસાત થયા.
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થઈને થર્ટી ફર્સ્ટ માર્ચના એન્ડિંગ સમયે ઉજાગરા કર્યા હોત તો આમાંનું કશું જ ન મળ્યું હોત...હા, મર્સીડીઝ અને બે કરોડના ઈન્ટિરિયરવાળુ ઘર જરૂર મળી ગયાં હોત !
પણ એ મળ્યા પછીય ક્યારેય એવી ખબર પડી ન હોત
કે જીવનમાં એના કરતાંય કશુંક મૂલ્યવાન છે જેને હું મિસ કરું છું...
આજે મર્સીડીઝ તો શું,  જીવનમાં હું પંખો-રેડિયોને પણ મિસ કરતો નથી...